Gujarat

કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ

By GS TEAM
14 Feb 20262 mins read
કપડવંજ પંથકમાં બટાકા-શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓ

- શિવરાત્રી પૂર્વે ફરાળી બજારમાં ગરમાવો

- ગત વર્ષ કરતા વાવેતરમાં 60 ટકા સુધીનો ધરખમ વધારો : બટાકાના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં ચિંતા

કપડવંજ : મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ બજારમાં ફરાળી ચીજવસ્તુઓની માંગમાં વધારો થવા લાગ્યો છે. ખાસ કરીને ઉપવાસમાં ફરાળ તરીકે સૌથી વધુ વપરાતા બટાકા અને શક્કરિયાની આવક અને ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કપડવંજ તાલુકામાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં મોટો વધારો થયો છે, પરંતુ બજાર ભાવની અસ્થિરતાને કારણે ખેડૂતોમાં 'ક્યાંક ખુશી, ક્યાંક ગમ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

કપડવંજ તાલુકામાં આ વર્ષે બટાકા અને શક્કરિયાના વાવેતરમાં સરેરાશ ૬૦થી ૭૦ ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. તાલુકામાં કુલ ૩૧૩૬ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ કેવડિયા વિસ્તારમાં ૩૫૦ હેક્ટરમાં વાવેતર છે. આ ઉપરાંત નિરમાલી, શિહોરા, નરસિંહપુર અને લાલપુર જેવા વિસ્તારોમાં પણ મોટા પાયે વાવેતર જોવા મળે છે. તાલુકામાં કુલ ૧૯૨૩ હેક્ટરમાં શક્કરિયાનું વાવેતર છે, જેમાં દાસલવાડા ૪૭૫ હેક્ટર સાથે મોખરે છે. આંત્રોલી, નવાગામ, સિંઘાલી અને તોરણા વિસ્તારના ખેડૂતોએ પણ શક્કરિયાના પાક પર પસંદગી ઉતારી છે. શાકભાજીના વેપારી સંજયભાઈના જણાવ્યા અનુસાર, હાલમાં માર્કેટ યાર્ડમાં બટાકા અને શક્કરિયાના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના ભાવમાં ૮૦થી ૧૪૦ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે બટાકા પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. શક્કરિયાના ભાવ હાલમાં ૫૦૦થી ૬૦૦ રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ ઉંચા ભાવ હોવાથી ખેડૂતોને આથક ફાયદો થવાની આશા છે.