- 200વર્ષથી ચાલી આવતી પરંપરા
- ભક્તોને અગવડ ના પડે તે માટે સ્વયંસેવકો, પોલીસ તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવાઈ
નડિયાદ : નડિયાદ શહેરના પ્રસિદ્ધ સંતરામ મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ આજે શનિવારે પોષી પૂનમ નિમિત્તે પરંપરાગત રીતે બોરની ઉછામણી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. છેલ્લા ૨૦૦ વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં સહભાગી થવા માટે રાજ્યના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડશે.
સંતરામ મંદિર ખાતે સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત અને મહંત રામદાસજી મહારાજના સાનિધ્યમાં આજે શનિવારે વર્ષો જૂની પરંપરા મુજબ પોષી પૂનમ નિમિત્તે બોરની ઉછામણી કરવામાં આવશે. આ ઉત્સવ સાથે ભાવિક ભક્તોમાં અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. પરંપરા મુજબ, જે બાળકોને બોલવામાં તકલીફ હોય, તોતડાતા હોય કે મોડા બોલતા શીખ્યા હોય, તેમના માતા-પિતા પોતાનું બાળક બોલતું થાય તે માટે સંતરામ મંદિર ખાતે બોરની ઉછામણી કરવાની બાધા રાખે છેે. દર વર્ષે નડિયાદ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ મંદિરે આવીને મહારાજના ચરણોમાં બોર ઉછાળી પોતાની માનતા પૂરી કરે છે. પોષી પૂનમે બોરની ઉછામણીને લઇ નડિયાદ સ્ટેશનથી પારસ સર્કલ સુધીના રોડ સહિત ઠેર ઠેર બોર વેચનારા વેપારીઓની લારીઓ જોવા ગોઠવાઈ રહી છે. બોરની ઉછામણીના કારણે બોરની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. પોષી પૂનમે બોરની ઉછામણી કરનાર લોકો તેમજ પ્રસાદી રૂપે બોર ઝીલવા પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. મંદિરે સુરક્ષા-વ્યવસ્થા માટે સ્વયંસેવકો અને પોલીસ તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ મંદિર તરફ જતા મુખ્ય માર્ગોે પર વાહનોની ભીડ ન થાય તે માટે પાકગની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


