પોરબંદર જિલ્લામાં 5 ઇંચ સુધી અનરાધાર વરસાદથી જળબંબાકાર
માધવપુર સુધીની દરિયાઇ પટ્ટી પર ખેતરો પાણીમાં ડૂબ્યા : પોરબંદરમાં જનસેવા કેન્દ્ર અને જૂના કોર્ટ કમ્પાઉન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : મધુવંદી નદી પણ બે કાંઠે વહી નીકળી
પોરબંદર, : પોરબંદર શહેર અને તેની આજુબાજુમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો રાણાવાવ અને કુતિયાણામાં પણ એક થી બે ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ મેઘાવી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત માધવપુર સુધીની દરિયાઇ પટ્ટી પર પાંચ ઇંચ સુધી વરસાદથી જળબંબાકાર થયો છે. પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં શનિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. એમ.જી. રોડથી ખીજડી પ્લોટથી છાંયાચોકી તરફનો રસ્તો સહિત ચોપાટીના વીલા સર્કિટ હાઉસની આજુબાજુ જનસેવા કેન્દ્ર તેમજ જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં અડધોથી એક ફૂટ પાણી ભરાઇ ગયા હતા. પોરબંદરમાં મહાનગરપાલિકાનું તંત્ર પ્રિ-મોન્સુનની કામગીરી થયાનો દાવો તો કરી રહ્યું છે. પરંતુ અનેક જગ્યાએ એવું જોવા મળી રહ્યું છે કે, પાણીનો નિકાલ થઇ શકયો ન હતો અને તેના કારણે ચારે બાજુ પાણી ભરાઇ ગયા હતા. પોરબંદરના પેરેડાઇઝ એરિયામાં પણ દોઢ ફૂટથી વધારે પાણી જોવા મળ્યું હતું. જનસેવા કેન્દ્રના કમ્પાઉન્ડમાં નોટરી અને એડવોકેટ બેસે છે. તે ટેબલ સુધી પાણી પહોંચી ગયા હતા. અને છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮ મી.મી. જેટલો વરસાદ વરસ્યો હોવાનું ડિઝાસ્ટર વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું. પોરબંદરના રાણાવાવ, કુતિયાણા, રાણાકંડોરણા, આદિત્યાણા, અમરદડ, અમર, ચૌટા, બાવળાવદર, ભોદ, મોકર સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વ્યાપક વરસાદ નોંધાયો છે. અને રાણાવાવમાં ચોવીસ કલાકમાં ૫૨મી.મી. (બે ઇંચ) કુતિયાણામાં ૨૬ મી.મી.(એક ઇંચ) વરસાદ નોંધાયો હતો. બરડા પંથકના ગામડાઓ અડવાણા, સોઢાણા, ખાંભોદર, ફટાણા, મજીવાણા સહિતના વિસ્તારોમાં પણ દોઢથી બે ઇંચ
જેટલો વરસાદ વરસ્યો છે. તેના કારણે ખેડૂતોને મગફળી સહિતના પાક ઉપર કાચુ સોનું વરસ્યાની અનુભૂતિ થઇ હતી. પોરબંદર જિલ્લા ઉપર મેઘરાજા ઓળઘોળ થયા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં પોરબંદરથી માધવપુર સુધીની દરિયાઇપટ્ટી ઉપર પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ચારેબાજુ પાણી પાણી થઇ ગયા છે. ઘેડ વિસ્તાર રકાબી આકારનો હોવાથી ઉપરવાસના અને વરસાદના પાણીને લીધે ખેતરોમાં વરસાદના પાણી ભરાઇ ગયા છે. અને ઘેડના અનેક ખેતર તળાવ બની ગયા હોય તેવું જણાઇ રહ્યું છે. તો બીજી બાજુ ઉપરવાસના ભારે વરસાદને કારણે માધવપુરની મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે અને વિશાળ જળરાશિ દરિયા તરફ જઇ રહી છે.