અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત નહી, 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ
Potat Sorathiya Case: અનિરૂદ્ધ જાડેજાને સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે. જોકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. એટલે હવે અનિરૂદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે અને જેલમાં રહેવું પડશે.
29મીએ પિટિશન રજૂ, 30મીએ દાખલ
પ્રાપ્ત માહિતી મુજબ ગઈ 29 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સ્પે. લીવ પીટીશન (ક્રિમીનલ) રજૂ કરી હતી. જે બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ દાખલ થઈ હતી. તેના નંબર પણ પડી ગયા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટીન જર્યોજની બેંચ સમક્ષ આ લીવ પીટીશનની સુનાવણી થઇ હતી. આજે સુપ્રીમ કોર્ટે કોઇ રાહત આપી ન હતી.
ઉલ્લેખનીય છે કે અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા ચારેક મહિનાથી વોન્ટેડ છે. વોન્ટેડ હતા તે દરમિયાન જ હાઈકોર્ટનો સજા માફી રદ કરવાનો હુકમ આવ્યો હતો. પોલીસ સુત્રોએ તે વખતે જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ બાબતે પોલીસને કોઈ ડાયરેકશન આપ્યું નથી. પરંતુ પોલીસ અગાઉથી જ અમિત ખૂંટ આપઘાત કેસમાં શોધખોળ કરી રહી છે. જો કે આજ સુધી પોલીસને અનિરૂદ્ધસિંહ જાડેજાનું કોઈ ચોકકસ લોકેશન મળ્યું નથી.