Gujarat

રખડતા ઢોર પકડવાની નબળી કામગીરી, નિકોલ વોર્ડમા રખડતા ઢોર મામલે ડેપ્યુટી કમિશનરને શોકોઝ અપાશે

By GS TEAM
8 Oct 20251 min read
રખડતા ઢોર પકડવાની નબળી કામગીરી, નિકોલ વોર્ડમા રખડતા ઢોર મામલે ડેપ્યુટી કમિશનરને શોકોઝ અપાશે

  અમદાવાદ,બુધવાર,8 ઓકટોબર,2025

અમદાવાદમાં રોડ ઉપર રખડતા ઢોરને પકડવાને લઈ નબળી કામગીરી જોવા મળી રહી છે.નિકોલ વોર્ડમાં રખડતા ઢોરની વધતી ફરિયાદને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે ઉત્તરઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને શોકોઝ નોટિસ આપવા આદેશ કર્યો હતો.તેમણે લાઈટ ખાતાના એડીશનલ સિટી ઈજનેરને પણ તમે કાર્યદક્ષ નથી એમ કહીને ઠપકો આપ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાનીએ બુધવારે અધિકારીઓ સાથેની બેઠકમાં નિકોલ વોર્ડના વિવિધ રોડ ઉપર રખડતા પશુઓને લઈ  ઉત્તરઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાસેથી કામગીરી લેવામા નિષ્ફળ રહયા હોવાથી તેમને એટલે કે ઉત્તરઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ જવાબદાર ગણીને શોકોઝ નોટિસ આપો.લાઈટ ખાતાના એડીશનલ સિટી ઈજનેરને આડેહાથ લેતા કમિશનરે કહયુ, ખુલ્લા વીજવાયરના કારણે ચોમાસામા ત્રણ લોકોના મોત થયા હતા.જે સમયે તમને પચાસ ખુલ્લા વીજવાયર જોવા મળ્યા હતા એ સમયે જ કાર્યવાહી કરી હોત તો ત્રણ લોકોના મોત થયા નહોત.આ ઉપરાંત લાઈટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ એડીશનલ કે તેથી નીચેના અધિકારીઓ જે રીપોર્ટ આપે એ માની લેવાના બદલે રુબરુ પણ અલગ અલગ સ્થળે વિઝીટ કરવા સુચના આપી હતી. મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને શહેરમા ડેન્ગ્યૂના વધતા જતા કેસને નિયંત્રણમા લેવા સુચના આપી હતી.