Get The App

OTISને નબળો પ્રતિસાદ : મિલકત કરના બાકીદારો પૈકી 11 % એ જ લાભ લીધો

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
OTISને નબળો પ્રતિસાદ : મિલકત કરના બાકીદારો પૈકી 11 % એ જ લાભ લીધો 1 - image


- મ્યુનિ. કક્ષાએ પ્રચારના અભાવ તથા બાકીદારોની આર્થિક ભીંસના કારણે 

- 31 માર્ચ, 2025 ની સ્થિતિએ 98 હજાર બાકીદારો પૈકી 10,853 આસામીએ બાકી વેરા પેટે રૂા. 7.50 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવ્યો 

ભાવનગર : ચાલું નાણાંકીય વર્ષની શરૂઆતથી ભાવનગર મહાનગરપાલિકાએ મિલકતવેરા વસૂલાત ઝૂંબેશના ભાગરૂપે અમલી બનાવેલી ૧૦ ટકા રિબેટ યોજના અંતર્ગત તંત્રને એક જ માસમાં ૧૦૦ કરોડથી વધુની રેકોર્ડબ્રેક આવક થઈ છે. પરંતુ, અગાઉના વર્ષોની બાકી રકમનો મસમોટો આંક તંત્ર માટે ગળાનું હાડકું બન્યો છે.બાકીદારો બાકી વેરાની રકમ વાર્ષિક સરળ હપ્તે ચૂકતે કરી શકે તે માટે અમલી બનાવાયેલી વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કિમ (OTIS) ૨.૦ને ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. તંત્રના ચોપડે કુલ બાકીદારો પૈકી માત્ર ૧૧ ટકા જેટલાં જ બાકીદારોએ આ યોજનાનો લાભ લેતાં યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે.  

ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહેણાંકી અને કોર્મશિયલ મળી કુલ ૩.૦૫ લાખ જેટલી મિલકતો નોંધાયેલી છે. જૈ પૈકી ૩૧ માર્ચ,૨૦૨૫ની સ્થિતિએ ૨.૦૭ લાખ મિલકતધારકોએ તેમના બાકી વેરાની રકમ મહાપાલિકાની તિજોરીમાં જમા કરાવી હતી. જયારે, ૯૮ હજાર મિલકતધારકો એવા નોંધાયા હતા કે જેમણે એક વર્ષથી લઈ ૨૨ વર્ષ સુધીમાં કયારેય પોતાની મિલકતના બાકી વેરાની ભરપાઈ કરી નથી. આ બાકીદારોની બાકી વેરાની રકમનો આંક ૩૦૦ કરોડને આંબ્યો છે. સામાપક્ષે પ્રત્યેક મિલકતનો બાકીવેરો લાખોમાં પહોંચ્યો છે.આ બાકીદારો તેમના બાકી વેરાની રકમ સરળતાથી ભરી શકે તે માટે ભાવનગર મહાપાલિકાએ વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કિમ (OTIS) બહાર પાડી છે. તા.૧ ડિસેમ્બર,૨૦૨૪થી સતત બીજી વખત અમલી બનેલી આ યોજનામાં જોડાનાર બાકીદારને તેની કુલ બાકી રકમના પાંચ વાર્ષિક હપ્તા કરી ચાલુ વર્ષનું વ્યાજ બાદ આપી આંશિક રાહત આપવામાં આવી હતી. તા.૩૧ માર્ચ,૨૦૨૫ના રોજ પુરી થયેલી આ યોજનાના અંતે મહાપાલિકાના ચોપડે મિલકત વેરા ચૂકવણીમાં બાકી બોલતા અંદાજિત ૯૮ હજાર ખાતાધારકો પૈકી માત્ર ૧૦,૮૫૩ બાકીદારો જ લાભ લીધો હતો. એટલે કે કુલ પૈકી ૧૧ ટકા બાકીદારોએ જ આ યોજનાનો લાભ લેતાં તંત્રને આ યોજના અંતર્ગત કુલ બાકી વેરા પૈકી પ્રથમ હપ્તાની આવક પેટે રૂા. ૭.૫૩ કરોડની આવક થઈ છે. જો કે, આ યોજનાના નબળાં પ્રતિસાદ માટે મહાપાલિકા દ્વારા યોજનાના પ્રચાર-પ્રસારમાં ખામી તથા બાકીદારોની આર્થિક ભીંસ પણ એટલી જ જવાબદાર હોવાનું મનાય રહ્યું છે. 

માસ જપ્તી સાથે ફરી સ્કિમ શરૂ કરવા મ્યુનિ.ની વિચારણાં 

ભાવનગર મહાનગરપાલિકાએ ગત તા.૩૧ માર્ચ સુધી અમલી રાખેલી વન ટાઈમ  ઈન્સ્ટોલમેન્ટ સ્કિમ ૨.૦ને ધારી સફળતા મળી નથી.ત્યારે હવે આગામી જૂન માસથી શરૂ થનાર બાકીદારો પાસેથી રડક વસૂલાત ઝૂંબેશ અને માસ જપ્તી સમયે આ યોજના ફરી લાગુ કરવા મહાપાલિકાના ટોચના વર્તૂળોએ વિચારણાં હાથ ધરી છે. જો કે, યોજના અમલી બનાવતાં પૂર્વે તેની સૈદ્ધાંતિક મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય હોવાથી સૈદ્ધાંતિક મંજૂરી બાદ જ તેની વિધિવત જાહેરાત થવાની શકયતા છે.

Tags :