અમદાવાદ, સોમવાર,12 જાન્યુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગમાં ચાલતી
પોલંપોલ બહાર આવી છે. કર્મચારીઓના પગારમાંથી કપાત બંધ કરવાના નિર્ણયને છેક સુપ્રિમ
કોર્ટ સુધી લઈ જવાયો હતો.કોર્ટના આદેશ મુજબ,
એકાઉન્ટ ખાતા દ્વારા પગારમાંથી કપાત કરતા પહેલાં એન.ઓ.સી.ની ચકાસણી કરીને જ
પગારમાંથી ક્રેડીટ સોસાયટીની કપાત કરવાનો નિર્ણય કરવાનો હતો. આમ છતાં હાલમાં પણ
એન.ઓ.સી.વગર બે હજારથી વધુ કર્મચારીઓના
પગારમાંથી કપાત કરવાનુ એકાઉન્ટ વિભાગે ચાલુ રાખ્યુ છે. ક્રેડીટ સોસાયટીઓના
મેળાપીપણાંને કારણે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અમલ કરાતો નહીં હોવાનુ
મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાઈ રહયુ છે.
કોર્પોરેશનના કર્મચારીઓ સંચાલિત ક્રેડીટ સોસાયટી તેમજ
બેન્કોમાં ખુબ જ નાણાંકીય ગેરરીતી ચાલતી હોવાની અગાઉ મ્યુનિસિપલ બોર્ડમાં પણ ચર્ચા
થઈ હતી. જે તે સમયે મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીઓના પગારમાંથી કપાત બંધ કરવાનો
નિર્ણય લીધો હતો. લાંબા કાનૂની વિવાદ પછી વર્ષ-૨૦૦૬માં સુપ્રિમ કોર્ટે
કોર્પોરેશનની તરફેણમા ચુકાદો આપીને જે કર્મચારીને લોન મેળવવા માટે કોર્પોરેશન
એન.ઓ.સી.આપશે તેવા કર્મચારીના પગારમાંથી કપાત કરવામા આવશે એમ કહયુ હતુ. દર મહિને
કોર્પોરેશન દ્વારા કેટલી એન.ઓ.સી. આપવામાં આવી તે અંગે માહિતી અધિકારી અધિનિયમ
હેઠળ માહિતી માંગવામા આવી હતી.જેના જવાબમાં એકાઉન્ટ વિભાગના જાહેર માહિતી અધિકારીએ
ક્રેડીટ સોસાયટીઓના સભ્યોની ફી,
એન.ઓ.સી. અને લોનના હપ્તા અંગેની વિગતો મેળવવા તમામ ક્રેડીટ સોસાયટીઓને પત્ર
લખી માહિતી મંગાવાઈ છે.૧૫ હજાર કરોડથી વધુનુ બજેટ ધરાવતા કોર્પોરેશનના એકાઉન્ટ
વિભાગ પાસે જ કર્મચારીઓના પગારમાંથી થતી કપાતનો રેકર્ડ નથી.


