Gujarat

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી

By GS TEAM
29 Nov 20253 mins read
TukuTouch Logo
ગુજરાતમાં પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. કોવિડ પછીના વર્ષોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનોરી ડિસિઝ (સીઓપીડી) એટલે કે શ્વાસ સંબધિત સમસ્યા ધરાવતા દર્દીમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. શિયાળાની શરૂઆત સાથે શ્વસન સંબધિત સમસ્યા ધરાવતા લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી
AI IMAGE

Air pollution News: ગુજરાતમાં પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ પછીના વર્ષોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનોરી ડિસિઝ (સીઓપીડી) એટલે કે શ્વાસ સંબધિત સમસ્યા ધરાવતા દર્દીમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. શિયાળાની શરુઆત સાથે શ્વસન સંબંંધિત સમસ્યા ધરાવતા લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે.  

શિયાળાની મોસમમાં હવાની ગુણવાામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે. ઠંડી હવા પ્રદૂષકોને જમીનની વધુ નજીક રોકી રાખે છે, જેનાથી ધૂળ-ધુમાડો-રજકણો અને ગાડીમાંથી નીકળતા ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વસન નળીમાં બળતરા પેદા કરે છે, ફેફસાંની ક્ષમતા ઘટાડે છે તથા અસ્થમા અને બ્રોંકાઇટિસ જેવી બીમારીઓમાં વધારો કરે છે.  

રાયખડમાં AQI 300ને પાર

શુક્રવારે સાંજે અમદાવાદના સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં વધારો થયો છે અને તે 202ના આંકને સ્પર્શી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે 'ખરાબ' શ્રેણીમાં ગણાય છે. શહેરના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો, કોટ વિસ્તાર ગણાતા રાયખડમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. અહીં AQI 300ને પાર પહોંચી જતાં લોકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. શહેરના કુલ 7 જેટલા વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડી છે અને એક્યુઆઈ 200થી વધુ નોંધાયો છે.

સૌથી પ્રદૂષિત વિસ્તાર: રાયખડમાં AQI 308 નોંધાયો છે, જે અત્યંત ખરાબ શ્રેણીની નજીક છે.

પશ્ચિમ વિસ્તારમાં પણ અસર: સામાન્ય રીતે ઓછા પ્રદૂષિત ગણાતા બોપલ અને ચાંદખેડા જેવા રહેણાંક વિસ્તારોમાં પણ AQI 200થી વધુ રહેતા ચિંતા વધી છે. જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં AQI 134 રહ્યો છે, જે અન્ય વિસ્તારોની સરખામણીએ મધ્યમ શ્રેણીમાં છે. સમગ્ર અમદાવાદનો સરેરાશ AQI 202 નોંધાયો છે.


લાંબા સમય સુધી આ પ્રદૂષકોના સંપર્કમાં રહેવાથી બળતરા રહે છે તથા ફેફસાંને ગંભીર નુકસાન થાય છે. પલ્મોનોલૉજિસ્ટનું કહેવું છે કે તેઓ હવે 40 અને 50 વર્ષની ઉંમરના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોઈ રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. ડૉક્ટરોના મતે, ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિની તુલનામાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે, જ્યારે કે સીઓપીડીને સમયસર કેર સાથે કાર્યક્ષમ રીતે મેનેજ કરવું શક્ય છે. 

‘પલ્મોનરી ફંક્શન ટેસ્ટ  (પીએફટી) સરળ-ઝડપી અને પીડારહિત છે. જે વ્યક્તિના ફેફસા હકીકતમાં કેટલા સારી રીતે કામ કરે છે, તેની માહિતી આપે છે એમ જણાવતાં ડૉક્ટરે ઉમેર્યું કે, ઘણાં દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાને પહેલેથી જ નુકસાન થઇ ગયું હોય ત્યારે જ આવે છે. વહેલા પીએફટી સ્ક્રિનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે. તેમજ જેમ આપણે ડાયાબિટીસને મેનેજ કરીએ છીએ તેમ આપણે નિયમિત દેખરેખ અને યોગ્ય દવાથી સીઓપીડીને પણ કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ. આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે તથા વ્યક્તિની જીવન ગુણવાામાં સુધારો કરે છે.  

શ્વાસની સમસ્યા મૃત્યુ માટે બીજું સૌથી મોટું કારણ 

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં લોકોના મૃત્યુ માટેના મુખ્ય કારકોમાં સીઓપીડી ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે આવી ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના ડેટા પ્રમાણે ભારતમાં ફેફસાં સંબધિત સમસ્યા મૃત્યુ માટે બીજું સૌથી મોટું કારણ છે.