સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
હોસ્પિટલ ફરી વખત આવું ન કરે તે માટે બોર્ડ ઈન્સ્પેક્શન પણ કરશે
વડોદરા,સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ગયા મહિને ગાર્ડનમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરતા હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી ૩૦ દિવસમાં નિયમો મુજબ સુધારો કરવામાં ન આવે તો વીજ પુરવઠો બંધ કરવા આદેશ આપતી નોટિસ જીપીસીબીએ ફટકાર્યા બાદ ૧.૫૧ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
સ્ટર્લિંગ હોસ્પિટલે કચરો ટ્રેકટરમાં ભરીને ગોત્રી ગાર્ડન ખાતે નાખ્યો હતો. આ કચરામાંથી અમુક જથ્થો બાયો મેડિકલ વેસ્ટનો હોવાની કોર્પોરેશનની ગોત્રી ગાર્ડન શાખાના કર્મચારીઓને જાણ થતા કોર્પો.ના સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરી હતી.
સોલિડ વેસ્ટ વિભાગે જીપીસીબીને કહેતા બોર્ડ અને પાલિકાની ટીમોની હાજરીમાં પર્યાવરણ ઈજનેરોએ કચરો એકત્રિત કરી તેનું એલેલિસિસ કરી રિપોર્ટ રજૂ કર્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલ (રેસકોર્ષ સર્કલ, વડોદરા) સામે જીપીસીબીએ બાયો મેડિકલ વેસ્ટ રૃલ્સ ૨૦૧૬ ની જોગવાઈનું ઉલ્લંઘન જણાઈ આવ્યું હતું. અને નોટિસ ફટકારી હતી. હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)એ દંડ ઉપરાંત એક લાખની બેંક ગેરંટી પણ લીધી હતી.
હોસ્પિટલ ફરી વખત આવું ન કરે તે માટે બોર્ડ ઈન્સ્પેક્શન પણ કરશે તેમ જાણવા મળ્યું છે.