Gujarat

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડાતુ હતુ, ગ્યાસપુરમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના ૧૯ યુનિટ તોડાયા

By GS TEAM
6 May 20262 mins read
સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડાતુ હતુ, ગ્યાસપુરમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના ૧૯ યુનિટ તોડાયા

અમદાવાદ,મંગળવાર.5 મે,2026

અમદાવાદના દક્ષિણઝોનના લાંભા વોર્ડના ગ્યાસપુર વિસ્તારમાં ગેરકાયદે ચાલતા અને સાબરમતી નદીમા પ્રદૂષિત પાણી છોડતા  ધોબીઘાટના ૧૯ યુનિટ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાયા છે.કોર્પોરેશન અને જી.પી.સી.બી.ની નજર તળે એક વર્ષથી ધમધમતા આ યુનિટો સામે નોટિસ આપીને અંતે કાર્યવાહી કરવામા આવી છે. જી.પી.સી.બી.ની નોટિસ પછી કરવામા આવેલી કાર્યવાહીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સવાલ થઈ રહયા છે.એક વર્ષથી નોટિસ અપાઈ હતી તો કોર્પોરેશન તરફથી કયા કારણથી કાર્યવાહી કરવામા ના આવી.

કહેવાતા સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ સામાન્ય ઓટલા તોડી મોટા ઉપાડે તેનો પ્રચાર કરવા માટે જાણીતો છે. પરંતુ ગ્યાસપુર વિસ્તારમા વ્યાપક પ્રમાણમા ગેરકાયદે ધોબીઘાટના એકમ ચાલતા હોય તેની સામે કાર્યવાહી કરવા માટે એક વર્ષ જેટલા સમયની રાહ જુએ છે. એસ્ટેટ વિભાગના અધિકારી કીશોર પટેલ બચાવમા કહે છે, મોટા વોશિંગ યુનિટોને તેમના શેડ જાતે ઉતારી લેવા નોટિસ આપી હોવાથી તેમના દ્વારા ઉતારી લેવામા આવ્યા છે.સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ, ગેરકાયદે ચાલતા આ ધોબીઘાટના લાંભાના નવા ચૂંટાયેલા ભાજપના એક કોર્પોરેટરના સંબંધીના ચાર યુનિટનો સમાવેશ થતો હતો.જો કે,એસ્ટેટ વિભાગના અધિકારી આ વાતને સમર્થન આપતા નથી. કોર્પોરેશનના  એક સબ ઈન્સપેકટરના કહેવા મુજબ,પહેલા આ યુનિટો સામે કાર્યવાહી કરવામા આવી હતી.પરંતુ ફરી આ યુનિટો શરૃ કરાયા હતા.અમદાવાદમાં આ ધોબીઘાટના યુનિટો ઉપરાંત અનેક ફેકટરીઓ દ્વારા સાબરમતી નદીમા પ્રદૂષિત પાણી છોડવામા આવે છે છતાં કાર્યવાહી થતી નથી એવી ચર્ચા તોડી પડાયેલા યુનિટોના માલિકોમા થતી હતી.