Gujarat

સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી પહેલા રાજકીય ઘમાસાણ : નો-રિપીટેશન થિયરીને ફાયદા પ્રમાણે વ્યાખ્યાયિત કરી વિરોધી જૂથોને કાપવા દાવપેચ

By GS TEAM
27 May 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ગત ટર્મંના સ્થાયી અધ્યક્ષ હિતેશ હિતેશ બારોટ હાલ મેયર બન્યા : સુરતમાં પણ આવી પેર્ટન થશે કે વિરોધી જુથને કાપવામાં તત્કાલીનને હોદ્દો નહીં તેવી નીતિ અપનાવવા થઈ રહેલી કવાયત

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી પહેલા રાજકીય ઘમાસાણ : નો-રિપીટેશન થિયરીને ફાયદા પ્રમાણે વ્યાખ્યાયિત કરી વિરોધી જૂથોને કાપવા દાવપેચ

Surat Corporation : સુરત ભાજપમાં પદાધિકારીઓની નિમણૂક પહેલા આંતરિક રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. આવતીકાલે ઈ-મેન્ડેટ જાહેર થાય તે પહેલાં વિવિધ જૂથોએ પોતાના દાવેદારોને મહત્વના હોદ્દા અપાવવા ગાંધીનગર સુધી દોડધામ તેજ કરી દીધી છે. રિપીટેશન થિયરી અને નો-રિપીટેશન નામે ચાલી રહેલા રાજકીય ખેલમાં દરેક જૂથ પોતાના ફાયદા મુજબ વ્યાખ્યા ગઢી વિરોધી જૂથને કાપવાના પ્રયાસમાં છેલ્લી ઘડીના દાવપેચમાં મંડી પડ્યું છે.  અમદાવાદમાં ગત ટર્મના સ્થાયી સમિતિ અધ્યક્ષને મેયર બનાવાયા બાદ સુરતમાં પણ જૂના ચહેરાને તક મળશે કે પછી હાલના હોદ્દેદારોને સાઈડલાઈન કરવાની રણનીતિ અમલમાં આવશે તે મુદ્દે શહેર ભાજપમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 

સુરત પાલિકાની ચૂંટણી પરિણામના એક મહિના બાદ પાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે અને તેમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. જોકે, સુરતના પદાધિકારીઓ માટે છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણના કારણે બે નામ પણ નક્કી થઈ શક્યા નથી અને સ્થાયી સમિતિ અને મેયરના નામ મુદ્દે ભારે ઘમાસાણ ચાલી રહી છે. જેના કારણે આવતીકાલે ઈ-મેન્ડેટ આવ્યા બાદ જ નામ જાહેર થશે. 

જોકે, આ પહેલા ભાજપના તમામ ગ્રુપે પોતાના માણસ હોદ્દા પર આવે અને સામેના ગ્રુપનો માણસ હોદ્દા પર નહી આવે તે માટે રાજકીય દાવપેચ શરૂ કરી દીધા છે. ભાજપની અંદર સૌથી વધુ ચર્ચાનો વિષય હાલ રિપીટેશન થિયરી બન્યો છે. એક તરફ અનુભવના આધારે અગાઉ હોદ્દા સાંભળી ચૂકેલા ચહેરાઓને ફરી તક આપવાની દલીલ થઈ રહી છે, તો બીજી તરફ નવી ટીમના નામે ગત ટર્મના હોદ્દેદારોને સાઈડલાઈન કરવાની રણનીતિ પણ ઘડાઈ રહી હોવાનું કહેવાય છે. ખાસ કરીને પોતાના જૂથને વધુ હોદ્દા અપાવવા માટે દરેક જૂથ આ થિયરીનું અર્થઘટન પોતાના રાજકીય ફાયદા પ્રમાણે કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ જેમાં ગત ટર્મના પહેલા અઢી વર્ષ સ્થાયી અધ્યક્ષ રહી ચુકેલા હિતેશ બારોટને મેયર તરીકે નિમણુંક કરી છે. તો સુરતમાં પણ ગત ટર્મમાં હોદ્દા પર રહેલાની નિમણૂક થાય તેવી અટકળ હોવાથી ભાજપનું એક ગ્રુપ નો-રીપીટેશની વાત કરી રહ્યું છે અને તેમાં તત્કાલિન હોદ્દેદારોને આ ટર્મમાં હોદ્દો ન મળે તે તેવી ગણતરી કરી સામેના ગ્રુપનાને કાપવા માટે રાજકીય ચોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે.

હાલ તો સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી માત્ર હોદ્દાની વહેંચણી નહીં પરંતુ આંતરિક શક્તિ પ્રદર્શન અને જૂથબંધીની લડાઈ બની ગઈ છે. છેલ્લી ઘડી સુધી ચાલી રહેલા રાજકીય દાવપેચ, ગાંધીનગર સુધીના લોબિંગ અને રીપીટેશન-નો રિપીટેશનની અંદરની રાજનીતિ વચ્ચે આખરે કોના રાજકીય સમીકરણો સફળ થાય છે અને કોના સપના પર પાણી ફરી વળે છે તેનો નિર્ણય હવે ઈ-મેન્ડેટ ખુલ્યા બાદ જ થશે. સાથે જ આવતીકાલે જાહેર થનારી યાદી એ પણ સ્પષ્ટ કરી દેશે કે ભાજપ અનુભવી ચહેરા પર ફરી વિશ્વાસ મૂકે છે કે પછી જૂની ટીમને સાઈડલાઈન કરી નવા ચહેરાની નિમણુંક થાય છે તે ખબર પડશે.