વડોદરામાં ભાજપના ઝંડા લગાડવા કોર્પોરેશનના કર્મચારીઓને ધંધે લગાડાયા, નવા પ્રદેશ પ્રમુખના સ્વાગત પહેલા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Political Row in Vadodara: ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગામી વડોદરા પ્રવાસ (14મી ઓક્ટોબર) પૂર્વે શહેરમાં એક મોટો વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાની સ્વાગતની તૈયારીઓ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યાં છે.
રાત્રે વીજ પોલ પર ઝંડા લગાવતા કર્મચારીઓ
વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ વિભાગના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ રાજકીય પક્ષના પ્રચારના કામમાં લાગ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. રવિવારે (12મી ઓક્ટોબર) મોડી રાત્રે એરપોર્ટ સર્કલ પાસે વોર્ડ નંબર 13ના સ્ટ્રીટ લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટરના છ જેટલા કર્મચારીઓ બે ટેમ્પોમાં વીજ પોલ ઉપર ભાજપના ઝંડા લગાવતા જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, વોર્ડ નંબર 13ના કર્મચારીઓ વોર્ડ નંબર 4 અને 7ની હદમાં આ કામગીરી કરી રહ્યા હતા.
આ પણ વાંચો: વડોદરાના કરજણ નજીક ગમખ્વાર અકસ્માત: બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત, 10 ઇજાગ્રસ્ત
કોંગ્રેસનો કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપ
યુવક કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તાએ આ સમગ્ર મામલાનો ભાંડાફોડ કરીને કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'કોર્પોરેશનના કર્મચારીઓએ નાગરિક સુવિધાઓની કામગીરી છોડીને ભાજપના પ્રચારમાં ઝંપલાવ્યું છે, જે સ્પષ્ટ રીતે શાસનસંહિતાનો ભંગ છે. સ્ટ્રીટ લાઈટ સંબંધિત નાગરિકોની ફરિયાદો ઉકેલવાના સ્થાને કર્મચારીઓ ઝંડા લગાવવાની રાજકીય ફરજ બજાવી રહ્યા છે, જે નિંદનીય બાબત છે.'
આ ઘટના સામે આવતાં જ વડોદરા શહેરમાં કોર્પોરેશનના સંસાધનોનો રાજકીય ઉપયોગ કરવા અંગે ચર્ચાનો માહોલ ઊભો થયો છે. નાગરિકો વચ્ચે સવાલો ઊઠ્યા છે કે કોર્પોરેશનના કર્મચારીઓ અને સંસાધનો રાજકીય પક્ષના કાર્યક્રમોમાં શા માટે કામે લગાડાય છે. હવે જોવાનું એ રહે છે કે મ્યુનિસિપલ તંત્ર આ સમગ્ર મામલે કોઈ તપાસ હાથ ધરે છે કે નહીં.









