Gujarat

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું

By GS TEAM
2 Apr 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ફરતી રીક્ષા પર હનુમાન જયંતિની શુભેચ્છા આપતા પોસ્ટર રાજકીય પક્ષના ખેસ સાથે દેખાયા : કેટલીક જગ્યાએ ભંડારા થયા તેમાં પણ રાજકીય પક્ષોના ચિન્હો દેખાયા ; જોકે પ્રચારની લ્હાયમાં અનેક મંદિરોમાં ભંડારાનો ખર્ચ બચી ગયો

Summarized by AI; it may make mistakes. Check important info

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું

Surat : ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો પ્રચાર માટે કોઈ તક છોડતા નથી, પરંતુ આ વખતે તો હદ જ વટાવી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. શહેરમાં રામ નવમી અને હનુમાન જયંતિ જેવા પવિત્ર તહેવારોને પણ રાજકીય પ્રચાર મંચમાં ફેરવી દેતા ધર્મ અને રાજકારણના ભેળસેળ પર તીવ્ર સવાલો ઊભા થયા છે.

 સુરતના અનેક વિસ્તારોમાં ફરતી રીક્ષાઓ પર હનુમાન જયંતિના શુભેચ્છા સંદેશાઓ સાથે રાજકીય પક્ષોના ખેસ અને ચિન્હો ખુલ્લેઆમ પ્રદર્શિત થયા હતા. ભગવાનના નામે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ખુલ્લેઆમ જોવા મળ્યો હતો, જેનાથી ધાર્મિક લાગણીઓનો રાજકીય લાભ લેવા માટે દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

 માત્ર એટલું જ નહીં, શહેરમાં યોજાયેલા ભંડારાઓ પણ હવે નિષ્પક્ષ ધાર્મિક કાર્યક્રમ ન રહી રાજકીય પ્રદર્શન બની રહ્યા છે. ભંડારાના બેનરો પર પક્ષોના નામ અને ચિન્હો ઝળહળતા દેખાયા હતા, જાણે ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ પ્રચાર સભા ચાલી રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. કેટલાક સ્થળોએ તો કાર્યકરો ખેસ પહેરીને ભંડારા વહેંચતા જોવા મળ્યા, જેનાથી આ કાર્યક્રમોની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં એક ચોંકાવનારો પાસો એ પણ સામે આવ્યો છે કે કેટલાક મંદિરોમાં ભંડારાનો સંપૂર્ણ ખર્ચ રાજકીય પક્ષો અથવા દાવેદારો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે મંદિર સંચાલકોને આર્થિક રાહત તો મળી, પરંતુ બદલામાં ધાર્મિક સ્થળો રાજકીય પ્રચારના કેન્દ્ર બની ગયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

 ચૂંટણી આચારસંહિતા લાગુ હોવા છતાં આવી પ્રવૃત્તિઓ નિર્ભયપણે ચાલી રહી છે, જે તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા કરે છે. શું મત મેળવવા માટે હવે ધર્મનો સહારો લેવો ફરજિયાત બની ગયો છે? શું પવિત્ર તહેવારો પણ હવે રાજકીય લાભ માટે જ ઉપયોગમાં લેવાશે? આવા અનેક સવાલો વચ્ચે શહેરમાં આ મુદ્દે ભારે ચર્ચા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.