Gujarat

સુરત ભાજપમાં ખુરશી યુદ્ધ ચરમસીમાએ પદાધિકારીઓની જાહેરાત પહેલા રાજકીય ગરમાહો

By GS TEAM
18 May 20262 mins read
TukuTouch Logo
જાહેરાત પહેલા ગોઠવણો, જુથવાદના કારણે હોટ ફેવરિટ નામ વચ્ચે સ્કાયલેબની ચર્ચાએ જોર પકડ્યું : મેયરથી સ્ટેન્ડિંગ સુધી હાઈકમાન્ડના અંતિમ નિર્ણય પર સૌની નજર

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત ભાજપમાં ખુરશી યુદ્ધ ચરમસીમાએ પદાધિકારીઓની જાહેરાત પહેલા રાજકીય ગરમાહો

Surat Corporation : સુરત પાલિકાના નવા પદાધિકારીઓની નિમણૂક માટે કાઉન્ટડાઉન શરૂ થતાં ભાજપના રાજકારણમાં ભારે ઉથલપાથલ થઈ રહી છે. સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના પદો માટે દાવેદારોની લાંબી લાઈન લાગી છે. બીજી તરફ ભાજપના આંતરિક ગૃપો અને પ્રભાવશાળી નેતાઓ પોતાના માનીતા કોર્પોરેટરોને પદ અપાવવા માટે સક્રિય બનતાં અંદરખાને જોરદાર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મેયર સહિતના પદાધિકારીઓ માટે અનેક નામ હોટ ફેવરિટ મનાઈ રહ્યાં છે. પરંતુ સુરત ભાજપ માટે પ્રયોગ શાળા છે તેથી ચર્ચાતા નામોની જગ્યાએ સ્કાયલેબ જેવા નામ આવે તો નવાઈ નહી તેવી પણ ચર્ચા ભાજપના જ વર્તુળમાં શરુ થઈ ગઈ છે.

 સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 115 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો હતો. પરંતુ હવે આ જ પ્રચંડ બહુમતી ભાજપ માટે આંતરિક અસંતોષનું કારણ બની રહી છે. મોટી સંખ્યામાં ચૂંટાયેલા કોર્પોરેટરો વિવિધ પદો માટે પોતાનો દાવો મજબૂત માની રહ્યાં છે. નવા ચહેરાઓ અનુભવના આધારે તક માગી રહ્યાં છે તો જુના નેતાઓ પોતાનું રાજકીય વજન બતાવી ફરી મહત્વની જવાબદારી મેળવવા માટે સક્રિય બન્યા છે. ભાજપના વિવિધ ગૃપો વચ્ચે ચાલી રહેલી અંદરની રાજનીતિ હવે ખુલ્લેઆમ ચર્ચાનો વિષય બની ગઈ છે. દરેક જૂથ પોતાના સમર્થકને મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ સુધી પહોંચાડવા માટે સંગઠન અને હાઈકમાન્ડ સુધી દોડધામ થઈ રહી છે. પદાધિકારીઓની પસંદગી પહેલાં ભાજપ દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા લઈને પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. પાર્ટીના જ કેટલાક વર્તુળોમાં ચર્ચા છે કે સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા પુરતી જ રહી હતી. સેન્સ બાદ યોજાયેલી સંકલન બેઠક અને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પણ હજી સુધી કોઈ એક નામ પર સર્વાનુમતે મહોર લાગી શકી નથી. મેયર સહિતના મહત્વના પદ માટે અનેક નામો પર લાંબી ચર્ચા અને રાજકીય ગણિત ચાલી રહ્યું છે. જેના કારણે આખી પ્રક્રિયા વધુ ગૂંચવણભરી બની ગઈ છે.

 ભાજપ હાઈકમાન્ડ આ વખતે જૂથવાદ અને આંતરિક અસંતોષ ટાળવા માટે અંતિમ ક્ષણે સંતુલન સાધવાનો પ્રયાસ કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જાતિ સમીકરણ, વિસ્તારના પ્રતિનિધિત્વ, સંગઠન પ્રત્યે વફાદારી અને જૂથોમાં સંતુલન જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓની પસંદગી કરી શકે છે.    

ભાજપમાં આંતરિક ગોઠવણો, જૂથવાદ અને દાવેદારોની ભીડ વચ્ચે હવે સૌની નજર આગામી થોડા દિવસોમાં જાહેર થનારી પદાધિકારીઓની યાદી પર ટકેલી છે. એવું કહેવાય રહ્યું છે કે, છેલ્લી ઘડીએ હાઈકમાન્ડ ચોંકાવનારા અને અત્યાર સુધી ચર્ચામાં પણ ન હોય એવા ચહેરાઓને તક આપે તેવી શક્યતા સૌથી વધુ છે. જેના કારણે હાલ સુરત ભાજપમાં સસ્પેન્સ, અટકળો અને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તેના કારણે હવે કોણ મેયર બનશે, કોના માથે સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી આવશે અને અન્ય કમિટિમાં કોને મહત્વ આપશે તેને લઈને ભાજપના વર્તુળોમાં અનેક ચર્ચા શરૂ થઈ ગઈ છે.