રથયાત્રાના બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત

વડોદરા,રથાયાત્રાના બંદોબસ્તમાં ફરજ પર હાજર પોલીસ જવાનને બપોરે અચાનક ગભરામણ અને ત્યારબાદ ઊલટી થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે, તેઓનો જીવ બચી શક્યો નહતો. એક મહિના અગાઉ પી.એમ.ના કાર્યક્રમમાં બંદોબસ્તમાં હાજર હોમગાર્ડ જવાનનું પણ મોત થયું હતું.
અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર ખાતેથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૪૨ વર્ષના પોલીસ જવાન નરેશ હુરજીભાઇ રાઠવા ( રહે. પ્રતાપ નગર હેડ ક્વાટર્સ, મૂળ રહે. થડ ગામ, છોટાઉદેપુર) ની પણ બંદોબસ્તમાં નોકરી હતી. આજે બપોરે તેઓ રાવપુરા ખાતે બંદોબસ્તના સ્થળ પર હાજર હતા. ટાવર ચાર રસ્તા પર હાજર પોલીસ જવાન નરેશભાઇને બપોરે બે વાગ્યે અચાનક ગભરામણ શરૃ થઇ હતી અને ત્યારબાદ ઊલટી થઇ હતી. તેઓની તબિયત અચાનક જ બગડી જતા ફરજ પર હાજર અન્ય જવાનો તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ, ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. નરેશભાઇ રાઠવા છેલ્લા ત્રણ વર્ષથી હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. ૨૬ મી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સ્વાગત યાત્રા માટે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલા ૨૯ વર્ષના હોમગાર્ડ જવાન નિતેશભાઇ અરવિંદભાઇ જરીયા (રહે. લક્ષ્મીપુરા ગામ) ને ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડી હતી.









