પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ
એડવાન્સ પેટે આપેલા છ લાખના બે ચેક રિટર્ન થયા
વડોદરા,પોલીસ જવાનની કાર વેચાણ પેટે એડવાન્સ પેમેન્ટમાં આપેલા ચેક પરત થયા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અનિલભાઇ મહારૃભાઇ શિસોદે એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી જૂની કાર વેચવા તથા નવી કાર ખરીદવા માટે હું વડસર બ્રિજ પાસે આવેલ ફર્સ્ટ ઓનર કાર ઓટો ડિલરની ઓફિસે ગયો હતો. ત્યાં ઓફિસમાં મને પ્રવિણસિંહ ધરમસિંહ પરમાર (રહે. વિરામ -૨ , માંજલપુર, મૂળ રહે. જાનડી ગામ, તા. માળીયા હાટીના, જી. જૂનાગઢ) મળ્યા હતા. તેઓએ મારી કારની કિંમત ૫.૨૦ લાખ નક્કી કરી હતી. જેની સામે મેં બીજી ઓડી કાર ૯.૫૦ લાખમાં ખરીદી હતી. ઓડી કાર દોઢ વર્ષ પછી વેચાણ માટે મેં પ્રવિણસિંહને આપી હતી. તેમના કહેવાથી હું તેમની ઓફિસે કાર મૂકી ગયો હતો. થોડા દિવસ પછી મેં ફોન કરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તમારી કારનો સોદો હજી થયો નથી. તમે એડવાન્સ પેમેન્ટ લઇ જાવ. તેઓએ મને આપેલા ૬ લાખના બે ચેક બાઉન્સ થયા હતા. જેથી, મેં મારી કાર પરત માંગતા તેઓએ કાર પરત કરી નથી.