Get The App

ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા 1 - image

- એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડયો

- પોક્સો અને બળાત્કારના કેસમાં મદદ કરવા બદલ આરોપીના પિતા પાસે લાંચ માંગી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓ અને પોલીસ મથકોમાં લાંચની ફરિયાદો વચ્ચે, સુરેન્દ્રનગર એસીબી પોલીસે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના એક કોન્સ્ટેબલને રોકડ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો છે. 

સિટી પોલીસ મથકમાં પીઆઈના રાઇટર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ માંગીલાલ કાળુભાઈ પઢીયારએ એક ફરિયાદીના પુત્ર વિરુદ્ધ દાખલ થયેલ પોકસો અને બળાત્કારના ગુનામાં મદદ કરવા માટે લાંચ માંગી હતી.

માંગીલાલ પઢીયારએ શરૂઆતમાં રૂ.૩૫,૦૦૦ની લાંચ માંગી હતી, જે રકઝકના અંતે રૂ.૩૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદીએ લાંચ આપવા ન માંગતા હોવાથી સુરેન્દ્રનગર એસીબી ટીમને જાણ કરી હતી. એસીબી પી.આઈ. એમ.એમ.લાલીવાલા અને સ્ટાફે ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ પાસે આવેલી પી.જી.વી.સી.એલ. કચેરીના ગેટ પાસેથી કોન્સ્ટેબલ માંગીલાલ પઢીયારને રૂ.૩૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદી અને લાંચ લેનાર પોલીસ કર્મચારીને વધુ કાર્યવાહી માટે સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે.

જિલ્લાના મોટાભાગના પોલીસ મથકોમાં અરજદારો તેમજ આરોપીઓના સગા સંબંધીઓ પાસેથી અલગ અલગ કામગીરી માટે પોલીસ કર્મચારીઓ લાંચ માંગતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.