ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ કરશે
ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, રાયોટિંગ જેવા ગંભીર ગુનાનો ભૂતકાળ ધરાવતા મુન્ના તડબૂચે વળતી ફરિયાદ નોંધાવી
વડોદરા,ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટયા પછી ફરીથી વેપારી પર હુમલો કરી ધમકી આપતા બે માથાભારે આરોપીઓના જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જ્યારે સામા પક્ષે માથાભારે મુન્ના તડબૂચે વેપારી પર વ્યાજની ફરિયાદ મુન્ના તડબૂચે નોંધાવી છે.
પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતા અને મચ્છીનો વેપાર કરતાં નિલેશ ગણેશભાઈ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ે જણાવ્યું હતું કે, મારા મિત્ર મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે મુન્ના તડબૂચ (રહે. મહેબુબપુરા, નવાપુરા)ના પિતા બીમાર હોવાથી તેને પૈસાની જરૃર પડતા મારી પાસે ૩ લાખ માંગ્યા હતા.મે મુન્નાને ત્રણ લાખ રૃપિયા રોકડા આપ્યા હતા. તે પરત નહીં કરી મારા પર મુન્ના તડબૂચ અને સુલતાન ઉર્ફે તાન સત્તારભાઇ મિરાંસી (રહે. પાંજરીગર મહોલ્લો, ફતેપુરા)એ મારા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ગુનામાં પોલીસે મુન્ના તડબૂચ અને સુલતાન ઉર્ફે તાનની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ ફરીથી બંનેની સામે અટકાયતી પગલા લીધા હતા. ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, રાયોટિંગ જેવા ગંભીર ગુનાનો ભૂતકાળ ધરાવતા આરોપીઓ સામે અગાઉ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. મુન્નાની મિલકતો ટાંતમાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા આરોપીઓના જામીન રદ્દ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. સામા પક્ષે મુન્ના તડબૂચે નિલેશ કહાર સામે વ્યાજની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, નિલેશ કહારે મને૧૦ ટકાના ઉંચા વ્યાજે રૃપિયા આપ્યા હતા. તેની પાસેથી મેં ૧૩.૫૦ લાખ લીધા હતા. તેની સામે ૧૫.૨૦ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા. તેમછતાંય મારી પાસે વધુ રૃપિયાની માંગણી કરી મારા ઘરે આવી ગાળો બોલી પત્નીની રૃબરૃમાં મારી નાંખવાની ધમકી આપતો હતો.