વડોદરાઃ વારસિયાના વેપારી પર હુમલો કરી ૧૦ લાખની લૂંટ કરનાર લૂંટારાઓ પાસે રૃ.૨.૫૪ કરોડ મળી આવવાના બનાવમાં લૂંટારાઓ સામેની તપાસની સાથેસાથે લૂંટાયેલા વેપારી પણ હવે પોલીસ સહિતની એજન્સીઓ માટે તપાસનો વિષય બન્યા છે. જ્યારે,આ પ્રકરણની ઇડી ને જાણ કરવા ફાઇલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
હરણી-વારસિયાની ચતુરભાઇ પાર્ક સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય લીલીરામ રેવાણી પર હુમલો કરી ૧૦ લાખની લૂંટ કરી ભાગેલા લૂંટારાઓ પૈકી રાહુલ મારવાડી સ્થળ પર ઝડપાઇ ગયા બાદ તેના સાગરીત અનિલ પરમારની વારસિયા પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા હતા.
બંને લૂંટારાના રિમાન્ડ પુરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે બંનેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.ત્યારપહેલાં ક્રાઇમ બ્રાન્ચે પકડેલા પાંચ લૂંટારાઓને પણ જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા ઉપરોક્ત ચકચારી બનાવમાં જુદીજુદી ત્રણ ટીમો બનાવવામાં આવી છે.જે ટીમો પેપરવર્ક ઉપરાંત વિદેશી ચલણની વિગતો એકત્રિત કરશે.પોલીસ દ્વારા ઉપરોક્ત વેપારીના સંપર્કમાં રહેતા હોય અને લાયસન્સ ના હોય તેવા અન્ય ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
ધાડની કલમનો ઉમેરો કરાયો,વિનોદનો પત્તો નથી
વેપારીને લૂંટી લેવાના બનાવમાં પોલીસ દ્વારા ધાડની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.જ્યારે,લૂંટારું ગંગ વચ્ચે સંકલન કરનાર વિનોદને શોધવા તેના આશ્રય સ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે.
વર્ષ-૧૯૯૭ અને ૨૦૧૨ના કેસની વિગતો મેળવવા કવાયત
વારસિયામાં લૂંટનો ભોગ બનેલા વેપારી લીલીરામ સામે વર્ષ-૨૦૧૨ તેમજ તે પહેલાં વર્ષ-૧૯૯૭માં પણ ફોરેન કરન્સી બદલ કાર્યવાહી થઇ હતી.જેથી પોલીસ દ્વારા બંને કેસોની વિગતો મેળવવામાં આવી રહી છે.


