Get The App

કર્ણાટકના વેપાીર પાસે 4.92 કરોડ ખંખેરનાર ઇલિયાસ પોલીસ વેરિફિકેશનમાં પોલીસના રડાર પર હતો કે કેમ..5 ગુના નોંધાયા છે

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
કર્ણાટકના વેપાીર પાસે 4.92 કરોડ ખંખેરનાર ઇલિયાસ પોલીસ વેરિફિકેશનમાં પોલીસના રડાર પર હતો કે કેમ..5 ગુના નોંધાયા છે 1 - image

વડોદરાઃ સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઇ કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ ઇલિયાસ પોલીસ દ્વારા અવારનવાર થતા ગુનેગારોના વેરિફિકેશન દરમિયાન રડાર પર આવ્યો હતો કે કેમ તેવો સવાલ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.તો બીજીતરફ ઇલિયાસનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી.

કર્ણાટકના વેપારીને સસ્તુ સોનું આપવાના નામે તેમજ ૧૦ કરોડની લોન આપવાના નામે ઠગાઇ કરનાર ગેંગનો માસ્ટર માઇન્ડ રાજવીર પરીખનું સાચું નામ ઇલિયાસ અજમેરી હોવાનું ખૂલતાં તેણે ઠગાઇના ઇરાદે જ નામ બદલ્યું હોવાનું મનાય છે.

રાધે ફાઇનાન્સના નામે એટલાન્ટિસ કોમ્પ્લેક્સ ખાતે ઓફિસ ધરાવતા ઇલિયાસ ફરાર થઇ જતાં તેને શોધવા માટે પોલીસ દોડધામ કરી રહી છે.પરંતુ હજી તેના સગડ મળ્યા નથી.તો બીજીતરફ ઇલિયાસે ડુપ્લિકેટ સોનાના ૫૧ બિસ્કિટ(૨કિલો ૯૦૦ ગ્રામ) અને ચિલ્ડ્રન કરન્સીની રૃ.૫૦૦ના દરની ૧.૬૨ કરોડની નોટો તેના ભાઇ ઇદ્રિશને રાખવા માટે આપી હોવાની વિગતો જાણવા મળતાં પોલીસે ઇદ્રિશની અટકાત કરી કરન્સી અને બિસ્કિટ કબજે કર્યા છે.

ડીસીપીએ કહ્યું હતું કે,ઇલિયાસ સામે અગાઉ  પાંચ જેટલા ગુના નોંધાયા છે.જેથી તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.તો બીજીતરફ એ પણ સવાલ થાય છે કે બિન્ધાસ્ત રીતે ઓફિસ ચલાવી કર્ણાટકના વેપારીને ઠગનાર ઇલિયાસ પર પોલીસની વોચ હતી કે કેમ? રીઢા ગુનેગારોનું કાઉન્સેલિંગ કરતી પોલિસે ઇલિયાસનું કાઉન્સેલિંગ કર્યું હતું કે કેમ ?જે પી રોડ પીઆઇનો આ મુદ્દે માહિતી મેળવવા સંપર્ક થઇ શક્યો નહતો.

ઇલિયાસના ભાગીદાર બનેલા ભરત અને વિરલ પકડાયા

ઇલિયાસ ઉર્ફે રાજવીરના પાર્ટનર તરીકે ભરત અને વિરલ ઉર્ફે ડોક્ટર નામના બે સાગરીતોએ કર્ણાટકના વેપારીને પરિચય આપ્યો હતો.જેની તપાસ કરી પોલીસે વિરલ સાકરીયા(શ્રીજીધામ,વૈકુંઠ સોસાયટીપાસે, વાઘોડિયારોડ) અને ભરત પ્રજાપતિ(પંચરત્ન સોસાયટી,પંચવટી,ગોરવા)ની ધરપકડ કરી હતી.

ઇલિયાસે કહ્યું,અમે જબાન પર ભરોસો રાખી ધંધો કરીએ છીએ,વિશાલને છોડી દો

વિશાલ બારડ નામના લોન એજન્ટે કર્ણાટકના વેપારીનો સંપર્ક ઇલિયાસ સાથે સસ્તા સોના માટે કરાવ્યો હતો.પહેલી જ મીટિંગમાં ઇલિયાસે કહ્યું હતું કે,અમે જબાન પર ભરોસો રાખી ધંધો કરીએ છીએ.જો ધંધો કરવો હોય તો ઓફિસે આવજો.ત્યારબાદ વેપારી ઓફિસે મળીને હોટલમાં પરત ફર્યા હતા.આ વખતે ઇલિયાસ હોટલમાં આવ્યો હતો અને કહ્યું હતું કે,તમે મારી સાથે સીધો ધંધો કરો.વિશાલને છોડી દો.હું વધારે કમિશન આપીશ.