વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું
નેશનલ હાઇવે ઓથોરિટીની જગ્યાઓ ખૂલ્લી કરવા માટે બીજા દિવસે દુમાડ ચોકડી ખાતે ઝુંબેશ
વડોદરાઃ વડોદરાની આસપાસ હાઈવે ઉપર ઠેક ઠેકાણે દબાણો થયા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની દબાણો દૂર કરવાની કામગીરી વડોદરા પોલીસના માથે આવી છે.
વડોદરા-કરજણ વચ્ચે વારંવાર ૧૦ થી ૧૫ કિલોમીટર ટ્રાફિક જામ થતો હોવાથી લાંબા સમયથી ચાલતી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા હાઇવે ઓથોરિટી,કોર્પોરેશન,આરએન્ડબી, આરટીઓ જેવા વિભાગોના અધિકારીઓને સાથે રાખી શોર્ટ ટર્મ એક્શન પ્લાન બનાવ્યો છે.
તો બીજીતરફ કરજણ હાઇવેના ઇસ્યુ બાદ વડોદરા પોલીસને માથે હાઇવે ઓથોરિટી હેઠળ આવતી જગ્યાઓ ખાલી કરવાની જવાબદારી આવી ગઇ છે.જેથી જોઇન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ અને ડીસીપી પન્ના મોમાયાની આગેવાનીમાં પોલીસે ગઈકાલે ગોલ્ડન ચોકડી પાસેના દબાણો દૂર કર્યા હતા.
આજે બીજા દિવસે પણ વડોદરા શહેર પોલીસે હાઇવે ઉપર દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી.પોલીસે કોર્પોરેશનની મદદ લઇ દુમાડ ચોકડી વિસ્તારના લારી-ગલ્લા ઝૂંપડા સહિતના ૭૦ થી વધુ દબાણો દૂર કર્યા હતાઅને બે ટ્રક સામાન બહાર કાઢ્યો હતો.જે દરમિયાન વિરોધ થતાં પોલીસે કડક વલણ અપનાવવું પડયું હતું.ડીસીપીએ કહ્યું હતું કે, હજી આ પ્રકારના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.