અમદાવાદ,તા. 11 જુન 2022,શનિવાર
ભાજપ કાર્યકર રાકેશ મહેતાને બેઝબોલના ધોકાથી મરણતોલ ફટકા મારી ક્રૂર હત્યા કરવાના મામલાની તપાસ શરૂ થઈ હતી. ડીસીપી ઝોન 3 સુશીલ અગ્રવાલની નજર હેઠળ ખાડિયા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા એસઆરપી જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી મોન્ટુ નામદારને હત્યાના સ્થળ પર લઈ જવાયો હતો. પોલીસે હત્યાનો બનાવ કઈ રીતે બન્યો તેનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
પોલીસ અધિકારીઓએ આરોપીને રાકેશ મહેતાને કઈ રીતે માર્યા તે બાબતે તપાસ શરૂ કરી. આરોપીએ કઈ જગ્યાએ કેવી રીતે રાકેશ મહેતાની હત્યા કરી તે બતાવ્યું હતું. પોલીસે આરોપીના અન્ય સાગરીતોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં હત્યાનો બનાવ નામદાર પરિવારમાં ચાલતી અદાવતને કારણે બન્યાનું ખુલ્યું છે. આરોપી મોન્ટુની પત્ની નમ્રતાને તેના પિતાની સંપતિમાંથી બેદખલ કર્યાનું વિલ બન્યું હતું. આ વિલમાં મૃતક રાકેશ મહેતા સાક્ષી હોવાથી તે મોન્ટુને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો હતો. આ વિલ આધારે નમ્રતા બહેનનું નામ તેમના ભાઈઓએ જમીનથી લઈ તમામ મિલકતમાંથી કમી કરાવી દિધુ હતું. આ વિલ ખોટું હોવાનું આરોપી અને તેની પત્ની નમ્રતા માનતા હતા. આ અંગે તેઓએ પોલીસમાં અને કલેકટર ઓફિસમાં લેખિત રજુઆત પણ કરી હોવાથી તપાસ ચાલી રહી છે.


