લુખ્ખાગીરીનો ભોગ બનેલા વેપારીની ચાર દિવસ બાદ પોલીસે ફરિયાદ લીધી

- પોલીસ ફરિયાદ નહીં નોંધાવવા ફરિયાદીને 'વિનંતી' કરતી રહી
- ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા-બોટલના ઘા કરી સમગ્ર પોલીસ તંત્રની આબરૂના ધજાગરા કરનાર બુટલેગર પુત્રની ટોળકીને પોલીસનાં થાબડભાણાં
- બંને આરોપીઓએ થોડા સમય પહેલાં સરઘસમાં 'ગુના નહીં કરીએ' તેમ કહીં પબ્લિકની હાથ જોડીને માફી માંગી હતી
પોલીસના રિ-કન્ટ્રક્શનનાં નામે થતા આ તાયફા કેટલા ખોખલા છે તેની પોલ ખૂલી છે. જેનીશ મહાજન અને તેની સાથે જ પોલીસ સ્ટેશન ઉપર સોડા-બોટલના ઘા કરવાના ગુનામાં સંડોવાયેલા સદામ ઉર્ફે ભુરાએ રૈયાધારમાં એક વેપારીએ મફતમાં વસ્તુ આપવાની ના પાડતાં તેને મારકૂટ કરી, તેની દુકાનમાં તોડ-ફોડ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ચોંકાવનારી વાત એ છે કે ભોગ બનનાર વેપારી સાગર વલ્લભભાઇ પરમાર (ઉ.વ.૩૯, રહે. સુંદરમ સોસાયટી શેરી નં.૨, માધાપર ચોકડી) ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતા બંને આરોપીઓ માથાભારે અને અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવા છતાં તાત્કાલિક ફરિયાદ લેવાને બદલે પોલીસે અરજી લઇ લીધી હતી. એટલું જ નહીં, બંને આરોપીઓ સામે અટકાયતી પગલાં લઇ સંતોષ માની લીધો હતો, જેનાથી નારાજ સાગરભાઇએ ફરિયાદ નોંધાવવા માટે દોડધામ કરી હતી, પોલીસ કમિશ્નર કચેરીએ રજૂઆત પણ કરી હતી. એટલું જ નહીં, બંને આરોપીઓને જામીન પર છોડનાર મામલતદાર સમક્ષ પણ પોતાને સાંભળ્યા વગર જામીન આપી દીધા અંગે રજૂઆત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગઇકાલે પી.આઇ.ને મળતાં સાગરભાઇના આક્ષેપ મુજબ, તેને ત્રણ કલાક બેસાડી રખાયા પછી પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી.
એટલું જ નહીં, આજે સવારે ડી-સ્ટાફનાં માણસોએ તેનો સંપર્ક કરી ફરિયાદ નહીં નોંધાવવા વિનંતી કરી હતી. સાથો-સાથ બંને આરોપીઓને તેની નજર સામે જ સબક શીખવાડશે તેવી ધરપત આપી હતી. આમ છતાં સાગરભાઇ એફઆઇઆર માટે મક્ક્મ રહેતા 'મજબૂરીવશ' ગાંધીગ્રામ પોલીસે આજે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી.
તે સાથે જ વધુ એક વખત સ્પષ્ટ થઇ ગયું છે કે શહેરમાં માથાભારે અને લુખ્ખાઓને પોલીસ કેટલી હદે છાવરી રહી છે. એટલું જ નહીં, તેમના પે-રોલ ઉપર હોય તેમ ભોગ બનનારાઓને ફરિયાદ નહીં નોંધાવવા વિનંતી કરી રહી છે.
- હવે પછી પૈસા માંગ્યા તો જાનથી મારી નાખીશું
રાજકોટ: રૈયાધાર ખાતે સાગરભાઇ શ્રેય શોપિંગ સેન્ટર નામની દુકાન ધરાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા.૯ના રાત્રે બંને આરોપીઓએ તેની દુકાનેથી સોડા અને પાણીની બોટલ લીધી હતી. પૈસા માંગતા જેનીશે પછી આપી દઇશ તેમ કહ્યું હતું. જેથી ઉધાર નથી રાખતા તેમ કહેતાં બંને આરોપીઓએ તેને બેફામ ગાળો ભાંડી, દુકાનમાં તોડ-ફોડ કરી હતી. એટલું જ નહીં તેની સાથે મારકૂટ કરી 'હવે પછી અમારી પાસેથી પૈસા માંગ્યા છે તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી જેનીશ સામે અત્યાર સુધીમાં મુખ્યત્વે ઘણા શરીરસંબંધી ગુના નોંધાયા છે, વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે. આમ છતાં પોલીસ તેને અંકુશમાં લઇ શકી નથી.









