Get The App

કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું

તપાસમાં ૩૧થી વધુ ગુનાઓ સપાટી પર આવતા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ  વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું 1 - image

વડોદરા : ટ્રેનમાં લૂંટ પેસેન્જરના સામાનની ચોરી, રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવું, દારૃ તેમજ ગૌમાસના જથ્થાનો વેપાર કરવા સહિતના અનેક ગુનાઓને અંજામ આપનારી ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે રેલવે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ બાદ આ ગેંગ સામે પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. ચાર્જશીટમાં ૧૦૨થી વધુ સાક્ષીઓના નિવેદનો અને સંગઠિત ગુનાખોરીના સચોટ પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં મુખ્ય છ આરોપીઓના નામ સામેલ છે તેમાં હસન ઉર્ફે ટકન સલીમ શેખ, હુસેન સલીમ શેખ, સુલતાન નિશાર ખાલપા, ફરદીન ઈનાયતઅલી મકરાણી, યાસીન સલીમ શેખ અને ઈમરાન નિશાર ખાલપાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારના રહેવાસી છે. હાલમાં આ તમામ આરોપીઓ ગુજરાતની અલગ-અલગ જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન ખુલવા પામ્યું હતું કે, આ ગેંગ અત્યંત ખતરનાક રીતે ટ્રેનોને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ રેલવે ટ્રેક પર બે પાટાને જોડતી ફિશ પ્લેટના નટ-બોલ્ટ ખોલી નાખતા હતા, જેથી ટ્રેન ડિરેલમેન્ટ થવાનો અને હજારો મુસાફરોનો જીવ જોખમમાં મુકાવાનો ભય રહેતો હતો. આ ઉપરાંત, ટ્રેનની સ્પીડ ઘટાડવા માટે તેઓ બે કોચ વચ્ચેના પ્રેશર કોક સ્લો કરી ઓટોમેટિક વેક્યુમ બ્રેક લગાવવાની જીવલેણ ટેકનિકનો પણ ઉપયોગ કરતા હતા.

આ ગેંગની સૌથી કુખ્યાત મોડસ ઓપરેન્ડી ટ્રેક પર ૧૦ કે ૨૦નો સિક્કો મૂકીને સિગ્નલ રેડ કરવાની હતી. સિગ્નલ લાલ થતાં ટ્રેન ઊભી રહેતી અને અંધારાનો લાભ લઈ ગેંગના સભ્યો મુસાફરોની લૂંટ, સ્નેચિંગ અને સામાનની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. તપાસ દરમિયાન આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા લૂંટ, ચોરી, રેલવે સંપત્તિને નુકસાન અને ગૌમાંસની હેરાફેરી સહિતના કુલ ૩૧ ગંભીર ગુનાઓનો પર્દાફાશ થયો છે.