ચંડોળાથી માંડ 200 મીટર દૂર હતી પોલીસ ચોકી અને સ્ટેશન તોય બાંગ્લાદેશીઓ કેમ ન દેખાયા?
Chandola Lake Encroachment News: મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતાં ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યુ છે. પણ સવાલ એછેકે, જે બાંગ્લાદેશીઓનો વસવાટ દર્શાવાઇ રહ્યો છે તેનાથી માત્ર 200 મીટર દૂર સૂર્યાનગર પોલીસ ચોકી છે. આ ઉપરાંત નજીકના અંતરે ઇસનપુર પોલીસ સ્ટેશન છે તો પોલીસને કેમ ઘૂષણખોરો દેખાયાં નહી.એટલુ જ નહીં, ચંડોળા વિસ્તારમાં ચાલતી આતંકી અને અનૈતિક પ્રવૃતિ કેમ દેખાઇ નહી.
ચંડોળા તળાવની આસપાસ જુગાર-દારુના અડ્ડા -અનૈતિક પ્રવૃતિને રોકતાં પોલીસને કોણે રોકી
ગુજરાત પોલીસનું જ કહેવુ છેકે, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સ્લિપર સેલની સક્રિય ભૂમિકામાં હતાં. અલ કાયદા સાથે તેમના તાર જોડાયેલાં છે. આ જ બાંગ્લાદેશીઓ ડ્રગ્સના વેપાર સાથે પણ સંકળાયેલાં છે. આ જ વિસ્તારમાં યુવતીઓના શારીરીક શોષણ સહિત અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. બનાવટી દસ્તાવેજો અને મની લોન્ડરીંગની પ્રવૃતિ થતી હતી. આ બધી જ અસામાજીક પ્રવૃતિઓ આ વિસ્તારમાં થતી હતી તો પોલીસે શું ઘ્યાન રાખ્યુ તે પ્રશ્ન સ્થાનિકોને મૂંઝવી રહ્યો છે.
ચંડોળા વિસ્તારમાં થતી અનૈતિક અને અસામાજીક પ્રવૃતિઓને રોકતાં પોલીસને કોણે રોકી હતી. ગુજરાતમાં કોઇ ચમરબંધીને નહી છોડાય તેવા હાકોટો પડકારાં કરવામાં આવી રહ્યાં છે ત્યારે વર્ષોથી વસતાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને જબ્બે કરવામાં પોલીસે કયુ મુહુર્ત જોવાનું હતું. ગુજરાત રાજ્યનું ઇન્ટેલિજન્સ શું કરતું હતું. આવી પ્રવૃતિ થતી હોવા છતાંય ગુજરાત પોલીસને આટલાં વર્ષો પછી ખબર પડીકે, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો છુપાઇને બેઠાં છે.