આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટના પગલે
બસ અને રેલવે સ્ટેશને ડૉગ સ્ક્વૉર્ડની મદદ લેવાઈ : રાત્રી પેટ્રોલિંગ સાથે વાહનોમાં ચેકિંગ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટને પગલે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આણંદ અને ખેડા જિલ્લામાં પણ પોલીસ દ્વારા ગઈકાલ રાત્રિના સુમારે કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ ટીમો દ્વારા સમગ્ર રાત્રી દરમિયાન ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આણંદ અને ખેડા એલસીબી પોલીસની ટીમ દ્વારા આણંદ શહેરોમાં પ્રવેશવાના મુખ્ય પોઇન્ટ સામરખા ચોકડી તેમજ વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નડિયાદ શહેરમાં વિવિધ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી. આણંદમાં આજે પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરી શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ ચાંપતી નજર રાખવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

