પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું

લગ્નની સિઝનમાં ચોરી ન થાય તે માટે
સમગ્ર પાર્ટી પ્લોટને સીસીટીવી કેમેરાથી કવર કરવા આયોજકોને પોલીસની સૂચના
રાજકોટ: રાજકોટમાં લગ્નની સિઝન શરૂ થવાની છે. છેલ્લા કેટલાંક સમયથી પાર્ટી પ્લોટમાં જઇ ગઠીયા ટોળકી દાગીના સહિતની કિંમતી મત્તાની ચોરી કરતી હોવાની ઘટનાઓ બને છે. આ વખતે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘટનાઓ બને ત્યારે તેમા સામેલ આરોપીઓની આસાનીથી ઓળખ થઇ જાય તે માટે તાલુકા પોલીસે ગઇકાલે પોતાના વિસ્તારમાં આવેલા સાતેક પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે તપાસ કરી હતી.
આ દરમિયાન મોટાભાગના પાર્ટી પ્લોટમાંથી સીસીટીવી કેમેરા મળી આવ્યા હતાં. અમુક ભાગમાં કેમેરા લાગેલા ન હોવાથી સંચાલકોને પોલીસે ત્યાં કેમેરા લગાડવા સૂચના આપી હતી. એટલું જ નહીં અમુક કેમેરાના એન્ગલ બદલવાની પણ સૂચના આપી હતી.
દર વખતે મહેમાનોના સ્વાંગમાં જતી ગઠીયા ટોળકી પાર્ટી પ્લોટમાંથી કિમતી માલમત્તાની ચોરી કરી નાસી જાય છે. મોટાભાગે આવા ગુના આચરતી ટોળકીઓ પરપ્રાંતની હોવાથી પોલીસને ઝડપથી ઓળખ મળતી નથી. ઓળખ મેળવવા માટે ચહેરાના ફોટા હોવા જરૂરી હોય છે. આ જ કારણથી પોલીસે આખો પાર્ટી પ્લોટ સીસીટીવી કેમેરાથી કવર થાય તે બાબત સુનિશ્ચિત કરવા પાર્ટી પ્લોટમાં ચેકિંગ શરૂ કર્યું છે.

