Surat News : સુરત નજીક ડુમસના દરિયામાં ડીઝલની ચોરીનું મોટું રેકેટ ઝડપાયું છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરાતી હોવાની સુરત SOGની ટીમને બાતમી મળી હતી. આ પછી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે મધદરિયે કરવામાં આવેલા ઓપરેશનમાં 75 થી વધુ ડીઝલના બેરલ પકડી પડ્યા હતા. પરંતુ પોલીસ કાર્યવાહી દરિમયાન ડીઝલ ચોરી કરતાં શખસો બોટ મૂકી દરિયા વચ્ચે આવેલા ટાપુના જંગલમાં ફરાર થઈ ગયા હતા.
મધદરિયે ડીઝલની ચોરીનું રેકેટ ઝડપાયું
સુરત નજીક હજીરા પોર્ટ કે મગદલ્લા પોર્ટ પર ઉદ્યોગ માટે આવતા મોટા જહાજ મધદરિયે ઉભા રહે છે. આ જહાજોમાંથી છેલ્લા કેટલાક સમયથી ડીઝલ સહિતની વસ્તુઓની ચોરી થતી હોવાની પોલીસ કમિશનરને ફરિયાદ મળી હતી. જેમાં સુરત નજીક મધદરિયા પાસે ટાપુમાં ચોરીને અંજામ આપતી ગેંગ સક્રિય થઈ હોવાની માહિતીની આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળ્યો
પોલીસ દ્વારા મધદરિયે તપાસ કરતાં એક જહાજમાંથી ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન થકી ડીઝલ ખેંચતા હોવાનું જણાયું હતું. જેમાં ડીઝલની ચોરી કર્યા બાદ આરોપીઓ નાના બેરલમાં ડીઝલ ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું. તેવામાં સુરત પોલીસને તપાસ દરમિયાન મધ્ય દરિયા ટાપુના કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આશરે રૂ.10 લાખની કિંમતના કુલ 75 થી વધુ જેટલા બેરલ કબજે કર્યા છે. પોલીસની કામગીરી દરમિયાન ડીઝલની ચોરીને અંજામ આપતી ગેંગના સભ્યો દરિયા પાસે આવેલા ટાપુ નજીકના જંગલમાં ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા શખસોને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


