Get The App

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧૫ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી લીધો

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News

દહેગામ-કપડવંજ હાઇવે ઉપર હરસોલી ચોકડી પાસે

બુટલેગર ડાલુ મૂકીને ભાગવા જતા પટકાયો અને ઝડપી લેવાયો ઃ ૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર નજીક દહેગામ પોલીસ દ્વારા બાતમીના આધારે હરસોલી ચાર રસ્તા નજીક દારૃ ભરેલા પીકપ ડાલાને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધું હતું. જોકે બુટલેગર ભાગવા જતાં તેને ઝડપી લેવાયો હતો અને દારૃ અને ડાલુ મળીને ૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ ઉપર નજર રાખી રહી છે. દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, એક પીકપ ડાલામાં વિદેશી દારૃનો મોટો જથ્થો ભરીને દહેગામથી કપડવંજ રોડ તરફ પસાર થવાનો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા હરસોલી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને ઉભા રહેવા સંકેત આપ્યો હતો, પરંતુ ચાલકે વાહન હંકારી મૂકતા પોલીસે તેનો પીછો કર્યો હતો. અંતે હરખજીના મુવાડા ગામ પાસે મહાવીર ફાર્મ નજીક પોલીસે આડશ ઉભી કરી વાહનને રોકી લીધું હતું. ગાડીનો ચાલક ભાગવા જતાં પડી ગયો હતો, જેને પોલીસે કોર્ડન કરી પકડી પાડયો હતો.પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૃની કુલ ૩,૭૪૪ બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ગહલઉ ગામના વતની દિગંબરસિંહ ઉર્ફે ભુરો જહાનસિંગ જાટની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૃના જથ્થા અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.