અમદાવાદમાં ધરપકડ બાદ આપ નેતાઓનો બોટાદ પોલીસે કબ્જો મેળવ્યો

બોટાદના હડદડ ગામે થયેલ ઘર્ષણના કેસમાં
બોટાદ પોલીસે કુલ 85 લોકો વિરૂદ્ધ રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો
બોટાદ: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા વિવાદ મુદ્દે હડદડ ગામે બનેલા બનાવમાં બોટાદ પોલીસે આપના નેતા સહિત ૮૫ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં આપના બે નેતાઓની અમદાવાદ ખાતે ધરપકડ થતાં બોટાદ પોલીસે બન્નેનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદના હડદડ ગામે કડદા વિવાદ મુદ્દે ગત તા.૧૨-૧૦ના રોજ સભાનું આયોજન થયું હતું જેમાં પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણમાં બોટાદ પોલીસે કુલ ૮૫ શખ્સો વિરૂદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ૬૫ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ ખાતે ઉપવાસ આંદોલન પર બેસે તે પહેલા રાજુ કપરડા અને પ્રવિણ રામની અમદાવાદ પોલીસે ધરપકડ કર્યાં બાદ બોટાદ પોલીસે બન્નેનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.