વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસ બંદોબસ્તનું રિહર્સલ
સવારે પાંચ વાગ્યાથી પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાઇ જશે
વડોદરા,વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમના બંદોબસ્તનું આજે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતીકાલે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ પોલીસ કાફલો બંદોબસ્તમાં ખડકાઇ જશે.
આવતીકાલે દેશના વડાપ્રધાન વડોદરા આવનાર છે. તેઓ હરણી એરપોર્ટથી નીકળી એરપોર્ટ સર્કલથી ડાબી બાજુ વળી એરફોર્સ સ્ટેશન સુધી જશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ ખલેલ ના પહોંચે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આજે પોલીસ દ્વારા બંદોસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતીકાલના બંદોબસ્તમાં ૭ ડી.સી.પી., ૧૫ એ.સી.પી., ૫૦ પી.આઇ., ૧૫૦ પી.એસ.આઇ. તથા બે હજાર પોલીસ જવાનો હાજર રહેશે.