વડોદરા,શહેરની સયાજી હોસ્પિટલમાં એક દિવસની તાજી જન્મેલી બાળકી ત્યજી ફરાર થઇ જવાના બનાવમાં પોલીસે માતા, પિતાને શોધી કાઢી બાળકીને સુપરત કરી છે.
સયાજી હોસ્પિટલમાં બાળકીને ત્યજી દેવાની ઘટનામાં પોલીસને એક કારનો નંબર મળતા તેના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, બાળકીના માતા પૂર્ણાબેન અશોકભાઇ ખંભાવત તથા પિતા અશોક મંશારામ ખંભાવત (બંને હાલ રહે. કુંઢેલા ગામ, તા.ડભોઇ, મૂળ રહે.રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, પૂર્ણાબેન સગર્ભા હોઇ તેમનો પતિ તેઓને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જતો હતો. તે દરમિયાન પ્રસૂતિ થઇ જતા પ્રસૂતાને વધુ પડતું લોહી વહી જતા હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યારે બાળકીની પણ તબિયત સારી નહી હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. ત્યારબાદ અશોક પત્નીની તબિયત વધારે ખરાબ હોઇ તેને વતન રાજસ્થાન મૂકવા ગયો હતો. જેના કારણે બાળકી હોસ્પિટલમાં એકલી રહી ગઇ હતી.


