ઠગાઇના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની દોડધામ
સવા મહિનાથી ફરાર આરોપીની આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઇ
વડોદરા,બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી ૩૯ લાખ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લા સવા મહિનાથી ફરાર છે. તાજેતરમાં જ તેની આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી.
આજવા રોડ સરદાર સહકાર સોસાયટીમાં રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા ફરહીનબેન મલેકે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતું કે, આરોપી ગમેશ ડુંગરભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયા, તા.કવાંટ, જિ. છોટાઉદેપુર)ને હું રક્ષાબંધનમાં રાખડી બાંધતી હતી. ગમેશ રાઠવા અને તેના સાળા મયંક પ્રવિણભાઇ રાઠવા (રહે. સ્વામિ નારાયણ સોસાયટી, પાવી જેતપુર, છોટાઉદેપુર) એ બરોડા ડેરીમાં મને તથા મારા પરિવરના સભ્યોને નોકરી અપાવવાનું કહી અમારી પાસેથી ૩૯ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે મયંકને ઝડપી પાડયો હતો. પરંતુ, આરોપી ગમેશ રાઠવા હજી ફરાર છે. ગમેશ રાઠવાએ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.સરકારી વકીલ સ્મૃતિ ત્રિવેદીની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપીની અરજી નામંજૂર કરી છે. છેલ્લા સવા મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ તેના ઘરે તથા અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરી રહી છે. પરંતુ, આરોપી હજી પકડાયો નથી.