સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

સાવકા પિતાના ત્રાસથી ઘરમાંથી ભાગી છુટેલા આઠ વર્ષના કિશોરનો પોલીસે ગૂગલ મેપને આધારે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આઠ વર્ષનો કિશોર ગભરાયેલી હાલતમાં જોવા મળતા રેલવે પોલીસે તેની પૂછપરછ કરી હતી. કિશોરને સાંત્વન આપીને બાળ ગોકુલમ ખાતે લઈ જવાયો હતો અને ત્યાં તેની સાથે સંસ્થા ના કાઉન્સિલરોએ વાતચીત કરી હતી.
કિશોર મરાઠીમાં વાત કરતો હોવાથી મહારાષ્ટ્રિયન વ્યક્તિની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ તેનું સરનામું શોધવા માટે ગૂગલ મેપનો સહારો લેવામાં આવ્યો હતો. જ્યાં કિશોરે મુંબઈના કલ્યાણ વિસ્તારની કેટલીક ઇમારતો ઓળખી બતાવી હતી.
અભયમની ટીમે કલ્યાણ પોલીસનો સંપર્ક કરતા કિશોરના માતા પિતા વિશે જાણકારી મળી હતી. જેથી તેમને અહીં બોલાવી કિશોરને સોંપી દેવામાં આવ્યો હતો અને કિશોરના પિતાનું પણ કાઉન્સેલિગ કરવામાં આવ્યુ.