દસડાના ખારાઘોડા રણમાં ફસાયેલા 9 યુવકનું પોલીસે રેસ્ક્યૂ કર્યું
વચ્છરાજ દાદાના મંદિરે દર્શનાર્થે જઈ રહેલા યુવકો ભારે વરસાદને પગલે ફસાયા હતા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા રણમાં ભારે વરસાદને પગલે વચ્છરાજ દાદાના દર્શનાર્થે ગયેલ અમુક યુવકો ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. જે અંગેની જાણ પાટડી પોલીસને થતાં સ્થાનીક આગેવાનોની મદદથી રણમાં ફસાયેલ યુવકોને સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢી વ્યવસ્થા પુરી પાડી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં દસાડા તાલુકા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રણમાં વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા ૯ યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક વધુ વરસાદ ખાબકતા તમામ યુવકો રણના કાદવમાં અંદાજે ૨૦ કિલોમીટર દુર ફસાઈ ગયા હતા અને રસ્તો ભુલી ગયા હતા જે અંગેની જાણ પાટડી પોલીસના કંન્ટ્રોલ રૃમમાં કરવામાં આવતા પાટડી પોલીસે રણના રસ્તાના જાણકાર લોકોની મદદ લઈ ટ્રેકટર તેમજ ગાડી વડે રણમાં જઈ તપાસ હાથધરી હતી અને ફસાયેલા તમામ ૯ યુવકોને શોધી રણમાંથી રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢયા હતા તેમજ તેઓ ભુખ્યા તરસ્યા હોય ચા-પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપી હતી આ કામગીરીમાં પાટડી પોલીસ સ્ટાફ સહિત સ્થાનીકો જોડાયા હતા.