ઠાસરાની ભાથીજી પ્રા.શાળામાં ત્રીજી ચોરી છતાં પોલીસ નિષ્ક્રીય
- સરકારી મિલકતની ચોરી છતાં અરજી લઈને સંતોષ
- ઈલેક્ટ્રીક મોટર, સ્પીકર ચોરાયા બાદ પોલીસે સૂચન કરતાં સીસીટીવી નાખ્યા તે પણ ગયા
ઠાસરા તાલુકાની ભાથીજી પે-સેન્ટર પ્રા.શાળામાંથી સીસીટીવી કેમેરા કોઈ અસામાજિક તત્વો ચોરી ગયા હોવાની અરજી શાળાના મુખ્ય શિક્ષકે ઠાસરા પોલીસ મથકે આપી છે. શાળાની આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. જે બાબતે અગાઉ શાળાના મુખ્ય શિક્ષકે પોલીસને રજૂઆત કરી હતી. થોડા સમય પહેલા શાળામાંથી મોટર અને સ્પીકરોની ચોરી થઈ હતી. જે અંગે ઠાસરા પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માની આચાર્યને શાળામાં સીસીટીવી કેમેરા લગાવવાનું સૂચન પોલીસે કર્યું હતું. બાદમાં ચોરી ન થાય માટે શાળામાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા. ત્યારે તા. ૨૨મી ફેબુ્રઆરીએ ચોર કમેરાજ ચોરી ગયું હતું. આ અંગેની તે જ દિવસે ઠાસરા પોલીસ મથકે આચાર્યએ ફરિયાદ પણ આપી છે. જેને ત્રણ દિવસ વિતવા છતાં શાળામાં ચોરી કરનારને શોધવામાં પોલીસ અસફળ રહી છે. સરકારી મિલકતની ત્રણ વાર ચોરી થવા છતાં ઠાસરા પોલીસ આ વાતને ગંભીરતાથી નહીં લઈ માત્ર અરજીઓ લઈને સંતોષ માની રહી છે.