લાલપુરમાં લગ્ન પ્રસંગ દરમિયાન જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને ફટાકડા ફોડી રહેલા વરરાજાના પિતા સામે પોલીસે ગુનો નોંધ્યો
જામનગર જિલ્લામાં વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા માટે તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ જાહેર કરાયો છે, અને તેના માટેનું જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં લાલપુરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.
જે અંગે પોલીસને ધ્યાનમાં આવતાં લાલપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ડી.ડી. જાડેજા તેઓની ટીમ સાથે રૂપાવટી નદીના કાંઠે પહોંચ્યા હતા, જ્યાં મોચી મંદિર પાસે રાત્રિના સમયે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, જેમાં વરરાજા ના પિતા ભુપતભાઈ કાનાભાઈ પઢીયા અને તેઓના પરિવાર દ્વારા ફટાકડા ફોડી જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો હતો.
જેથી આ મામલે પોલીસે જાતે ફરિયાદી બની, વરરાજાના પિતા ભુપતભાઈ કાનાભાઈ સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ન ભંગ કરવા અંગેની બી.એન.એસ. કલમ 223 મુજબ ગુન્હો નોંધ્યો છે.