જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરીને સીન સપાટા કરી રહેલા ૬ શખ્સોએ રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે બાબતે પોલીસ નું ધ્યાન પડતાં આ રીલ ના સંદર્ભ કમાન કંટ્રોલરૂમ ના સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સીસ ની મદદથી જાહેરમાં સીન સપાટા કરનાર છ વ્યક્તિને શોધી લેવાયા છે, અને તમામ સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે. જામનગરની ટ્રાફિક શાખાએ સમગ્ર કાર્યવાહી કરી હતી.
જામનગર ના સોશિયલ મીડિયામાં તાજેતરમાં એક રીલ વાઈરલ થઈ હતી ઇન્સ્ટાગ્રામ પર રીલ મુકનારા પોતે જાહેરમાં નાગનાથ ગેઇટ ચોકડી જેવા વિસ્તારમાં સ્ટંટ કર્યો હતો અને બાઈક ને ભયજનક સ્થિતિમાં ચલાવી જાહેરમાં રોડની વચ્ચે દેકારો મચાવી સૂત્રોચાર સહિતના સીન સપાટા કર્યા હતા.
જે રીલના સંદર્ભમાં પોલીસ તંત્ર એક્ટિવ બન્યું હતું. સૌપ્રથમ જામનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટીમેં હરકતમાં આવી જઈ આ રિલ બનાવનાર શખ્સો ને શોધવા માટે અને તેઓનું બાઈક શોધી કાઢવા માટે જુદા જુદા કેમેરા ના એંગલ પરથી ફૂટેજ મેળવ્યા હતા.
જોકે તે ફૂટેજમાં બાઈક નંબર પ્લેટ વગરનું હતું, તેથી ઓળખવું મુશ્કેલ હતું. અને સમગ્ર કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જ્યાં ટ્રાફિક પીઆઇ એમ.વી. ગજ્જર, પીએસઆઇ એ. એચ. ચોવટ અને સ્ટાફના સત્યજીતસિંહ વાળા, મનોહરસિંહ ઝાલા પ્રવીણભાઈ સહિત ની ટીમ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી હતી અને જુદા જુદા હ્યુમન સોર્સના સહારે સિન સપાટા કરનારા છ શખ્સો ને શોધી લેવાયા હતા.
જેમાં બે સગીર વય ના કીશોરો હતા, ઉપરાંત અન્ય ચાર વ્યક્તિ વિક્રમ સુરેશભાઈ પરમાર, નાસીર રજાકભાઈ વાઘેર, આશિષ જેસંગભાઈ મકવાણા અને ક્રિપાલસિંહ દિલીપસિંહ જાડેજા ની ઓળખ કરી લેવામાં આવી હતી.
જે તમામ ના સરનામા વગેરે મેળવીને તેઓને ટ્રાફિક શાખા ની ઓફિસે બોલાવ્યા હતા, અને ઉપરોક્ત વિડિયો બાબતે ચર્ચા કરતાં ટાબરીયા સહિતના ૬ શખ્સોએ પોતે રીલ બનાવ્યું હોવાની કબુલાત આપી હતી, અને જે બાઈક તેમાં ઉપયોગમાં લીધું હતું તે જીજે 10 બીપી 7082 નંબરનું બાઈક પણ સાથે લાવ્યા હતા.
પોલીસ દ્વારા તમામ સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને ફરીથી આવી રીતે કાયદાનું ઉલ્લંઘન નહીં કરે એવી સમજ આપી કાયદાનું ભાન કરાવ્યું છે.


