મોડીરાત સુધી લગ્નમાં ડી.જે. વાગતા પોલીસે ગુનો દાખલ કર્યો
લગ્નના પાર્ટી પ્લોટમાં મોડીરાતે ડી.જે. વગાડનાર આયોજક અને ડી.જે.ના સંચાલક સામે ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાતે 12:00 વાગ્યે મેસેજ મળ્યો હતો કે, વાસણા ગામ એચ.એલ. પાર્ટી પ્લોટ પાસે ડી.જે. વાગે છે. જેથી, પોલીસે પાર્ટી પ્લોટમાં જઇને તપાસ કરતા લગ્નની વિધી ચાલતી હતી. બહાર રોડ પર ડી.જે.નું વાહન ઉભું હતું. પોલીસની ગાડી જોઇને ડી.જે.નું વાહન રવાના થઇ ગયું હતું. પોલીસે પાર્ટી પ્લોટમાં અંદર જઇને ડી.જે. અને વરઘોડાની પરમિશન મેળવનાર આયોજક બાબતે તપાસ કરતા આયોજકનું નામ વિનોદ મગનભાઇ જાદવ (રહે, શિવાલય હાઇટ્સ,ગોત્રી, મૂળ રહે, પાલડી ગામ,તા.વાઘોડિયા)હોવાનું જાણવા મળ્યું હતું. આયોજકે પોલીસને જણાવ્યું હતું કે, લગ્નના વરતોરણ સમયે ડી.જે. વાગતું હતું. અમે બંધ કરાવવા જતા હતા. તે દરમિયાન પોલીસની ગાડી આવી જતા ડી.જે.વાળો રવાના થઇ ગયો હતો. પોલીસે આયોજક અને ડી.જે.ના સંચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.