જામનગર રોડ પરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા
વિશાલે પોલીસને કહ્યું કે તૃષાબેન પતિ સાથે ચાલતા ડિસ્પ્યુટ અંગે તેની સાથે માહિતી શેર કરતા
રાજકોટ: જામનગર રોડ પરના નાગેશ્વર વિસ્તારમાં રહેતી તૃષાબેનની હત્યા અને તેના પતિ લાલજીભાઈ પઢીયારના આપઘાતની ઘટનામાં કેન્દ્રસ્થાને રહેલા વિશાલ ગોહેલનું ગાંધીગ્રામ પોલીસે નિવેદન નોંધ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે નિવેદનમાં વિશાલે જણાવ્યું છે કે તૃષાબેન તેની સાથે પતિને ચાલતા ડિસ્પ્યુટની માહિતી શેર કરતી હતી. તેનો સંબંધી હોવાથી ઘરે પણ અવર-જવર રહેતી હતી. બાકી તેણે સંબંધો સ્વીકાર્યા નથી.
અત્યાર સુધીની પોલીસ તપાસમાં એવુ બહાર આવ્યું છે કે તૃષાબેનને કૌટુંબિક ભત્રીજા વિશાલ સાથે સંબંધ હતા. જેને કારણે પતિ સાથે તકરાર થતા દોઢેક માસથી ઘર છોડી બહેનપણીના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું. પતિ અવાર-નવાર તેને ઘરે પરત ફરવા માટે સમજાવટ કરતો હતો. આમ છતાં સમજતાં ન હોવાથી રોષે ભરાઈને પતિએ ગત શનિવારે સવારે લાયસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું.
જેમાં ગંભીર રીતે ઘાયલ તૃષાબેને ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. ફાયરિંગ કર્યા બાદ લાલજીભાઈએ પોતાના લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી હતી. આ રીતે આ કેસમાં આડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસે સંબંધીત તમામના નિવેદન નોંધવાની કાર્યવાહી જારી રાખી છે.


