Gujarat

વીરાતલાવડી ગામમાં દરોડો પાડી પોલીસે પાંચ જુગારીને ઝડપી લીધા

By GS TEAM
28 Jun 20251 min read
વીરાતલાવડી ગામમાં દરોડો પાડી પોલીસે પાંચ જુગારીને ઝડપી લીધા

૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ડભોડા પોલીસે વીરાતલાવડી ગામમાં દરોડો પાડીને જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાચરે જુગારની બદી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વીરાતલાવડી ગામના કોરવાળાવાસમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસ દ્વારા અહીં જુગાર રમતા વીરા તલાવડીના ગામના જોબનજી ગલાબજી ઠાકોર, વિષ્ણુજી હર્ષદજી મકવાણા, પ્રવિણજી રણજીતજી મકવાણા, રમણજી ચંદુજી ઠાકોર અને ભરતજી જવાનજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.