Get The App

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા 1 - image

- 4 વેપારીઓ સામે ગુનો દાખલ કરાયો 

- મહેમદાવાદ, કનેરા અને ખેડા-માતર રોડ પર તપાસ હાથ ધરી મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરાઈ 

નડિયાદ : ગુજરાત સરકાર દ્વારા સગીરો અને યુવાનોમાં નશાની પ્રવૃત્તિઓને રોકવા માટે લેવાયેલા નિર્ણયના ભાગરૂપે ખેડા જિલ્લા પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડયા છે. પોલીસની અલગ-અલગ ટીમોએ મહેમદાવાદ, કનેરા તેમજ ખેડા-માતર રોડ પર આવેલી દુકાનો અને પાન પાર્લરોમાં તપાસ કરી પ્રતિબંધિત સ્મોકિંગ પેપર અને રોલિંગ કોનનો જથ્થો ઝડપી પાડયો છે. આ કામગીરી દરમિયાન જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સામે જે તે પોલીસ મથકમાં ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા નશા માટે વપરાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અમલીકરણ માટે ખેડા ટાઉન પોલીસની ટીમ ગોબલજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન કનેરા ગામ પાસે આવેલા ચામુંડા કિરાણા સ્ટોર્સમાં તપાસ કરતા દુકાનમાંથી ગોગા પેપર અને સ્મોકિંગ કોન મળી કુલ ૧,૪૬૦ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. દુકાન માલિક કનૈયાલાલ નાનુભાઈ પ્રજાપતિ પાસે આ વસ્તુઓ રાખવા અંગેનું કોઈ લાયસન્સ કે પરવાનગી ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

ખેડા એસઓજીએ ખેડાથી માતર જવાના રોડ પર આવેલા લવલી પાન પાર્લર અને તેની બાજુની કેબિનમાં દરોડો પાડયો હતો. લવલી પાન પાર્લરમાંથી સ્મોકિંગ કોન અને પેપર મળી કુલ ૯૧૦ રૂપિયાનો જથ્થો મળ્યો હતો, જેમાં હિતેશભાઈ અરવિંદભાઈ પરમાર સામે કાર્યવાહી કરાઈ હતી. જ્યારે તેની બાજુમાં આવેલી જયદીપ બળવંતભાઈ મહિડાની પાનની કેબિનમાંથી ૧,૦૬૫ રૂપિયાની કિંમતના સ્મોકિંગ કોન અને પેપર મળી આવ્યા હતા. ખેડા ટાઉન પોલીસે આ મામલે સરકારના જાહેરનામાના ભંગ બદલ વેપારીઓ સામે ગુનો નોંધ્યો છે.

મહેમદાવાદમાં પણ પોલીસે સિદ્ધિવિનાયક મંદિરની બહાર આવેલ ગણેશ પાન સેન્ટરમાં તપાસ હાથ ધરી હતી. દુકાનદાર સંજયભાઈ પ્રદીપભાઈ પટેલ પાસેથી પ્રતિબંધિત રોલિંગ પેપરના ૮૪ નંગ મળી આવ્યા હતા, જેની કિંમત ૧,૨૬૦ રૂપિયા જેટલી થાય છે. આ જથ્થો જપ્ત કરી મહેમદાવાદ પોલીસે વેપારી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જિલ્લામાં પોલીસની આ સતત કાર્યવાહીને પગલે પ્રતિબંધિત નશાકારક ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.