ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત બાદ તંત્રને કામગીરી યાદ આવી
સુભાષનગરમાં બારોબાર મકાન ભાડે આપનાર સામે નોંધાતા ગુના, વિસ્તારમાં મકાન તબદીલ કે ભાડે આપવા પૂર્વ મંજૂરી ફરજિયાત છે
રાજકોટ: કોઈ પણ વિસ્તારને અશાંત ધારા હેઠળ નોટિફાઈડ કર્યા બાદ તેમાં સમયાંતરે ચેકીંગ કરવાની પોલીસ અને કલેક્ટર તંત્રની ફરજ હોય છે. રાજકોટમાં રૈયારોડ પર સુભાષનગર, નહેરુનગર ,બજરંગવાડી, વાંકાનેર સોસાયટી, વિસ્તારને અશાંત ધારા હેઠળ જાહેર કર્યા બાદ ત્યાં નિયમભંગ થતો હોવાની લોકોની ફરિયાદો અન્વયે ધારાસભ્ય ડો.દર્શિતા શાહે કલેક્ટરને ભારપૂર્વક રજૂઆત કરતા આજે કલેક્ટર અને પોલીસ તંત્રની ટીમો દ્વારા આ વિસ્તારમાં ત્રાટકીને ઘરે ઘરે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નિયમભંગની સાથે ફોજદારી કાયદાનો ભંગ થયાનું પણ ખુલ્યું હતું.
પોલીસ અને કલેક્ટર કચેરી સૂત્રોએ જણાવ્યા મૂજબ સુભાષનગર અને નહેરુનગર વિસ્તારમાં આશરે ૧૭ મકાનોનું સઘન ચેકીંગ કરાયું હતું જેમાં કેટલાક મકાન પર તાળા લટકતા હતા. સુભાષનગરમાં બે ઈસમોએ મકાન બારોબાર ભાડે આપી દીધાનું ખુલતા બન્ને સામે ફોજદારી ગુના નોંધી તપાસ હાથ ધરાઈ છ્ે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અશાંત ધારા જ નહીં પરંતુ, કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને મકાન ભાડે આપતા પૂર્વ પૂર્વમંજુરી અનિવાર્ય છે.
શહેરમાં કેટલાક વિસ્તારમાં મકાનોનું શંકાસ્પદ ખરીદ-વેચાણ અને ચોક્કસ લોકોની વધી જતી વસ્તી અન્વયે અનેક વિસ્તારોમાં ફરિયાદો ઉઠતી રહે છે જે અન્વયે કોઈ પણ વિસ્તારને કલેક્ટર તંત્ર દ્વારા અશાંત ધારા હેઠળ જાહેરકરાય છે. આવા વિસ્તારમાં પછી મિલ્કતોનું વેચાણ કરવું હોય કે ભાડે આપવું હોય તો નાયબ કલેક્ટર પાસે અરજી કરીને પૂર્વ મંજુરી મેળવવાની રહે છે.


