મોહનપુરામાં પોલીસનો દરોડો ત્રણ જુગારી ઝડપાયા, ત્રણ ફરાર
ગ્રામ્ય વિસ્તારમાં જુગાર ફરી ધમધમ્યો
એએસપીની ટીમ દ્વારા દરોડો પાડીને ૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જુગાર ધમધમી ઉઠયો છે ત્યારે સાણોદા-વડવાસા રોડ પર મોહનપુરા ગામની સીમમાં આવેલા ગૌચરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતાં એએસપીની ટીમ દ્વારા દરોડો પાડીને ત્રણ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
આમ તો શ્રાવણ મહિના દરમિયાન ગાંધીનગર જિલ્લામાં જુગાર વધુ
જોવા મળતો હોય છે પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં ખૂણે અને ખાચરે જુગાર રમાઈ રહ્યો
છે ત્યારે આ સ્થિતિમાં એએસપી આયુષ જૈન અને તેમની ટીમ દહેગામ વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે,સાણોદા-વડવાસા
રોડ પર મોહનપુરા ગામની સીમમાં આવેલ ગૌચરમાં જુગારધામ ચાલી રહ્યું છે જે બાતમીના
પગલે પોલીસે વાહનો દૂર પાર્ક કરી પગપાળા જુગારધામ સુધી પહોંચી દરોડો પાડયો હતો.
પોલીસને જોતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ત્રણ જુગારીઓને પકડી પાડયા
હતા, જ્યારે
ત્રણ અન્ય અંધારાનો લાભ લઈ ભાગી છૂટયા હતા. પકડાયેલા જુગારીઓમાં દહેગામ સાણોદાના
જયેશ ઉર્ફે ભગો રમેશજી ચૌહાણ,
કાલીપુરના બદાજી ધુળાજી ઠાકોર અને વાસણા રાઠોડના રાજુસિંહ રૃપસિંહ બિહોલાનો
સમાવેશ થાય છે. ઝડપાયેલા જુગારીઓની પૂછપરછ કરવામાં આવતા ભાગી છૂટેલા આરોપીઓમાં
દહેગામ સાણોદાના ચુન્ની ઉર્ફે દિનેશ સદાજી ચૌહાણ, અજય પુંજાજી ઠાકોર અને જીગો ઉર્ફે કાંનાજી પુંજભજી ઠાકોર
હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, ઈકો કાર, મોટરસાયકલ અને
મોબાઈલ મળી કુલ રૃ. ૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ
જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ભાગેલાઓની શોધખોળ
શરૃ કરવામાં આવી હતી.