બોરીજમાં પોલીસનો દરોડો ઃ મકાનમાં સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

દારૃની વધતી હેરાફેરી વચ્ચે
પોલીસે બુટલેગરને પકડીને વિદેશી દારૃની ૯૬ જેટલી બોટલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આમ તો રાજ્યમાં દારૃબંધી છે પરંતુ પર પ્રાંતમાંથી વિદેશી
દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડીને બુટલેગરો દ્વારા જે તે વિસ્તારમાં તેનું વેચાણ
કરવામાં આવતું હોય છે. આ સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં પણ દારૃની હેરાફેરી અને
વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે સેક્ટર ૨૧ પોલીસની ટીમ
પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે,
બોરીજ ગામના
જૈન દેરાસરવાળા વાસમાં રહેતા અશોકજી ઉર્ફે શાહભાઈ શકરાજી
ઠાકોર પોતાના ઘરમાં વિદેશી દારૃનો વેપાર કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે
રાખીને અશોકજી ઠાકોરના ઘરે રેડ કરી હતી. જ્યાં અશોકજી ઘરે હાજર મળી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મકાનના વચ્ચેના રૃમમાં મુકેલી બે લોખંડની તિજોરીઓની પાછળના ગોખલામાં
તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૃના અલગ-અલગ બોક્સ મળી આવ્યા હતા. જે ગણતરી કરતા
દારૃની કુલ ૯૬ જેટલી બોટલ મળી આવી હતી. જેથી ૨૦ હજારનો મુદ્દામાલ કબજે કરીને
પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.








