Gujarat

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ મામલે ચાર દુકાનોમાં પોલીસના દરોડા

By GS TEAM
17 Sep 20252 mins read
એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ મામલે ચાર દુકાનોમાં પોલીસના દરોડા
Vadodara Police : રાજમહેલ રોડ સ્થિત મરીમાતાના ખાંચામાં રાવપુરા પોલીસે દરોડા પાડી એપ્પલ કંપનીના નામે મોબાઈલ ફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા ચાર વેપારીઓની અટકાયત કરી વિવિધ એસેસરીઝ મળી કુલ રૂ.4,65,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મુંબઈની ખાનગી કંપની એપ્પલ કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઈટના હકોનું રક્ષણ કરે છે. કંપનીના કર્મચારીઓને માહિતી મળી હતી કે, રાજમહેલ રોડ ખાતે મરીમાતાના ખાંચામાં આવેલ ઓડિયો ટ્રેક મોબાઈલ, કલાદર્શન મોબાઈલ, રંગ કૃપા મોબાઇલ અને મહાદેવ મોબાઇલ નામની દુકાનમાં એપ્પલ કંપનીના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ હેડફોન, કેબલ, એડેપ્ટર કવર વિગેરે એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે ગઈકાલે સાંજે કંપનીના સ્ટાફે રાવપુરા પોલીસ ટીમને સાથે રાખી ઉપરોક્ત દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ઓડિયો ટ્રેકમાંથી મોબાઈલ કવર, એરપોર્ડ, કેબલ, એડેપ્ટર મળી રૂ.97,500નો સામાન જપ્ત કર્યો હતો. તેમજ કલાદર્શનમાંથી મોબાઈલ કવર તથા એડેપ્ટર મળી કુલ રૂ.10,500નો સામાન જપ્ત કર્યો હતો. તથા મહાદેવ મોબાઇલ માંથી કવર, કેબલ, ઈયરબર્ડ, એડેપ્ટર મળી કુલ રૂ.47,500નો સામાન જપ્ત કર્યો હતો. જ્યારે રંગ કૃપા મોબાઇલમાંથી કવર તથા એરપોર્ડ મળી કુલ રૂ.3.10 લાખનો સામાન જપ્ત કર્યો હતો. આમ, દુકાનના સંચાલકો મુકેશ કુંભારામ બિશ્નોઇ (ઓડિયો ટ્રેક મોબાઈલ) (રહે-ગોયાગેટ સોસાયટી, આરવી દેસાઈ રોડ), મહેશ શીવાભાઈ દાતલાણી (કલાદર્શન મોબાઈલ)(રહે-શિવ શક્તિ એપાર્ટમેન્ટની બાજુમાં, વારસિયા) , ભરત ક્રિષ્નજી પુરોહિત (મહાદેવ મોબાઇલ) (રહે-ભાથુજીનગર, માંજલપુર)  અને નિલેશ ત્રિલોકભાઈ જોશી (રંગ કૃપા મોબાઇલ) (રહે-પ્રભુપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા) એપ્પલ કંપનીના નામે મોબાઈલફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરી રહ્યા હોય તમામની કોપીરાઈટ ભંગ બદલ અટકાયત કરી હતી.