સારાભાઇ કંપાઉન્ડમાં ચાલતા દારૃના કટિંગ સમયે પોલીસની રેડ

વડોદરા,સારાભાઇ કંપાઉન્ડમાં ચાલતા દારૃના કટિંગ સમયે જ પીસીબી પોલીસે રેડ પાડીને ત્રણ આરોપીઓને ૨.૯૧ લાખના દારૃ સાથે ઝડપી પાડયા હતા. જે પૈકી એક આરોપી દારૃના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ હતો.
અલકાપુરી માત્રીકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો અનિલ દયાશંકર પાંડે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૃના કેસમાં બે વર્ષથી વોન્ટેડ હતો. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, અનિલ પાંડે દારૃનો ધંધો કરે છે. હાલમાં સારાભાઇ કંપાઉન્ડમાં આવેલી ઇશા હોસ્પિટલ પાસે લીલા ચેમ્બર્સની પાસે દારૃનું કટિંગ કરી રહ્યો છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા એક કારમાંથી બીજી કારમાં દારૃની હેરાફેરી થતી હતી. પોલીસે સ્થળ પરથી (૧) અનિલ દયાશંકર પાંડે (૨) બળવંત દીપાભાઇ જાદવ તથા (૩) જીગર ચંદુભાઇ પંચાલ ( બંને રહે. જી.આઇ.ડી.સી. રોડ, માંજલપુર) ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી દારૃની ૧૪૦ બોટલ કિંમત રૃપિયા ૨.૯૧ લાખ, રોકડા ૧૪,૮૮૦ , ત્રણ મોબાઇલ તથા બે કાર મળીને કુલ રૃપિયા ૧૩.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, અંકિત ચૌહાણ અને રામ સુરા નામના આરોપીઓ ગોધરા બાયપાસ નજીક કારમાં દારૃ ભરી આપ્યો હતો. જે પૈકી થોડો દારૃ વાડીમાં રહેતા વિરલ મિસ્ત્રીને આપ્યો હતો. જેથી, પોલીસે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.









