વડોદરા,માણેજા ક્રોસિંગ પાસે કંપાઉન્ડવાળી જગ્યામાં ચાલતા દારૃના કટિંગ સમયે જ પોલીસે રેડ પાડતા નાસભાગ મચી ગઇ હતી.પોલીસે દારૃની ૧૫,૧૧૯ બોટલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે પોલીસને જોઇને ગાડી મૂકીને ભાગી ગયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
માણેજા ક્રોસિંગ નજીક ખુલ્લા દીવાલવાળા કંપાઉન્ડમાં કેટલાક લોકો વિદેશી દારૃનું કટિંગ કરી રહ્યા છે. જેથી, મકરપુરા પોલીસના સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કેટલાક લોકો કન્ટેનરમાંથી વિદેશી દારૃનો જથ્થો પીકઅપ વાન તથા અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. પોલીસને જોઇને દારૃ લેવા આવેલા આરોપીઓ વાહન છોડીને ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી સતિષ મોહનભાઇ ખત્રી (રહે.છીપવાડ ગામ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, તા. સંખેડા,જિ.છોટાઉદેપુર) તથા બહાદુર શેરૃ સમા (રહે.રતેકાતલા, તા.શીંડુવા, જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયા હતા. જ્યારે સ્થળ પરથી નાસી છૂટેલા ત્રણ વાહનોના ચાલક, કન્ટેનરના માલિક, કંપાઉન્ડના માલિક, દારૃ મગાવનાર તથા મોકલનાર તેમજ જીગો (રહે. અકોટા) અને સોહિલને વોન્ટેડ જાહેર કર્યા છે. પી.આઇ.એ.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, આરોપી સતિષ સામે અગાઉ મંજુસર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.
પોલીસે દારૃનો જથ્થો કિંમત રૃપિયા ૫૮.૯૫ લાખ, ટેમ્પો, પીકઅપ વાન, કેરી વાહન, બૂલેટ અને ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧.૦૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.


