આણંદ: ઉમરેઠમાં કાલસર ગામ નજીક મહી કેનાલમાં દંપતીએ મોતની છલાંગ લગાવી, પોલીસે તપાસ હાથ ધરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand News: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના કાલસર ગામમાંથી એક અત્યંત દૂખદ અને ચકચારી ઘટના સામે આવી છે. કાલસર ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાંથી એક પરિણીત દંપતીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત કારણોસર આ પતિ-પત્નીએ કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આપઘાતનું કારણ અકબંધ
મળતી માહિતી અનુસાર, કેનાલમાંથી મળી આવેલા મૃતક દંપતીની ઓળખ કાલસર ગામના ગીતાબહેન તેમના પતિ શૈલેષકુમાર તરીકે થઈ છે. દંપતીએ કાલસર ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં આપઘાત કરવાના ઈરાદે ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા કેનાલના પાણીમાં ભારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કેનાલના તણાવ અને પ્રવાહના કારણે બંનેના મૃતદેહ અલગ-અલગ જગ્યાએ તણાઈ ગયા હતા.
દંપતીના મોતના સમાચાર મળતા જ ઉમરેઠ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને શવોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) ની કાયદેસરની વિધિ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. દંપતીએ કયા કારણોસર આ આકરું પગલું ભર્યું છે, તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળ કાર્યવાહી તપાસ હાથ ધરી છે.









