દિલ્હી બ્લાસ્ટ અને તેને સંલગ્ન આતંકવાદી ઘટનાઓને ધ્યાને લઈ
30 વર્ષમાં હથિયારમાં 665, માદક પદાર્થમાં 553, વિસ્ફોટકો સાથે 16, ફેક કરન્સી સાથે 84 આરોપી પકડાઈ ચુક્યા છે
રાજકોટ: રાજકોટમાં છેલ્લા ૩૦ વર્ષમાં હથિયાર સાથે ૬૬પ, માદક પદાર્થ સાથે પપ૩, વિસ્ફોટક પદાર્થો સાથે ૧૬, ફેક કરન્સી સાથે ૮૪ અને ટાડા-પોટા અને ગુજસીટોક હેઠળ ૩૪ આરોપી પકડાયા છે. આ તમામ ૧૩પર આરોપીઓના ડોઝીયર શહેર પોલીસ હાલ તૈયાર કરી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ અને તેને સંલગ્ન આંતકવાદી ઘટનાઓને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડાએ રાજયભરની પોલીસ પાસેથી છેલ્લા ૩૦ વર્ષમાં હથિયાર, માદક પદાર્થ, વિસ્ફોટક પદાર્થ, નકલી ચલણી નોટ અને ટાડા-પોટા અને ગુજસીટોક હેઠળ કેટલા આરોપીઓ પકડાયા છે તેની માહિતી મંગાવી છે.
રાજયભરની પોલીસ હાલ આ માહિતી તૈયાર કરવામાં વ્યસ્ત બની ગઈ છે. ચાર દિવસમાં આ માહિતી ગૃહ વિભાગમાં મોકલી આપવાની છે. જેના પગલે રાજકોટમાં ૧૩પર આરોપીઓ અંગે હાલ પોલીસ ડોઝીયર તૈયાર કરી રહી છે.
ડોઝીયરમાં આવા આરોપીઓનું પૂરૂ નામ-સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, જે ભાષા જાણતો હોય તેની માહિતી, જાતિ, ધર્મ, હાલનો ધંધો-વ્યવસાય, સોશિયલ મીડિયા એકાઉન્ટ, વિદેશમાં રહેતા સગા-સંબંધીઓ, બેંકની ડિટેઈલ, અત્યાર સુધી નોંધાયેલા ગુના સહિતની માહિતી પોલીસે ભરવી પડશે. એકંદરે આવા આરોપીઓની 'કુંડળી' જ પોલીસ તૈયાર કરી રહી છે.
જેટલા આરોપીઓ અવસાન પામ્યા છે તેના વિશે ડોઝીયરમાં તે મુજબ લખવાનું રહેશે. જો આરોપી જેલમાં હોય તો તે માહિતી પણ ડોઝીયરમાં લખવાની રહેશે. રાજકોટની એસઓજીના મોનિટરીંગ હેઠળ શહેરભરની પોલીસ હાલ આ ડોઝીયર તૈયાર કરી રહી છે.


